Gujarat pilgrimage scheme: ગુજરાત સરકાર સામાન્ય પ્રજાની આસ્થા અને શ્રદ્ધા પ્રત્યે અત્યંત સંવેદનશીલ રહી છે. રાજ્યમાં જે શ્રદ્ધાળુઓ આર્થિક રીતે સક્ષમ ન હોવાને કારણે પોતાના ખર્ચે તીર્થયાત્રા કરી શકતા નથી, તેમને સરકારી ખર્ચે તીર્થયાત્રા કરાવીને સરકાર તેમની પડખે ઊભી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આસ્થાપૂર્ણ અભિગમ હેઠળ, સરકાર 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રને ચરિતાર્થ કરી રહી છે. અનેક ધાર્મિક સ્થળોના વિકાસની સાથે સાથે હજારો શ્રદ્ધાળુઓને તીર્થયાત્રા માટે સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા 'શ્રવણ તીર્થ દર્શન યોજના', 'સિંધુ દર્શન યોજના' અને 'કૈલાશ માન સરોવર યોજના' જેવી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે, જેના થકી રાજ્યના શ્રદ્ધાળુઓ સરકારી સહાય મેળવીને પોતાના મનગમતા તીર્થસ્થળોની યાત્રા કરી શકે છે. આ યોજનાઓનું સંચાલન રાજ્ય સરકારનું જાહેર સાહસ 'ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ' વર્ષ ૨૦૧૭-૧૮થી કરી રહ્યું છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત આ યોજનાઓનો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૭-૧૮થી અત્યાર સુધીના આંકડા જોઈએ તો, ઉપરોક્ત ત્રણેય યોજનાઓ હેઠળ રાજ્ય સરકારે કુલ ૧ લાખ ૫૮ હજાર ૭૬૦ શ્રદ્ધાળુઓને વિવિધ તીર્થસ્થળોની યાત્રાઓ કરાવી છે અને લાભાર્થી શ્રદ્ધાળુઓને કુલ ₹૨૦ કરોડ, ૬૨ લાખ ૯૩ હજારની સહાય ચૂકવી છે.
રાજ્યમાં તીર્થ દર્શન યોજનાઓને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોઈએ તો, વર્ષ ૨૦૨૨-૨૩ થી ૨૦૨૪-૨૫ (માર્ચ-૨૦૨૫ સુધી) દરમિયાન કુલ ૬૬ હજાર ૨૩૩ શ્રદ્ધાળુઓએ આ યોજનાઓ હેઠળ તીર્થસ્થળોની યાત્રા કરી છે. રાજ્ય સરકારે આ શ્રદ્ધાળુઓને કુલ ₹૯ કરોડ ૮૬ લાખ ૩૯ હજારની સહાય ચૂકવી છે.
આ યોજનાઓમાં સૌથી વધુ વડીલોએ લાભ મેળવ્યો છે. છેલ્લા ૩ વર્ષમાં કુલ ૬૪,૭૨૨ વડીલોએ ૧,૩૮૫ બસો દ્વારા પ્રવાસ કરીને તીર્થયાત્રાનો લાભ લીધો છે. રાજ્ય સરકારે આ વડીલો માટે ₹૭ કરોડ ૫૯ લાખ ૫૦ હજારની સહાય ચૂકવી છે. આ ઉપરાંત, છેલ્લા ત્રણ વર્ષમાં સિંધુ દર્શન યોજનાનો ૧૫૦૮ શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે, જેના માટે ₹૨ કરોડ ૨૬ લાખ ૨૦ હજારની સહાય ચૂકવાઈ છે. કૈલાશ માન સરોવર યાત્રા યોજનાનો પણ ૩ લોકોએ લાભ લીધો છે અને તેમને ₹૬૯ હજારની સહાય મળી છે.
શ્રવણ તીર્થ દર્શન યોજના
બોર્ડ તરફથી મળતી માહિતી મુજબ, વર્ષ ૨૦૨૨-૨૩માં શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ ૩૪,૮૪૬ સીનિયર સિટીઝનોએ ૮૧૯ બસો દ્વારા પ્રવાસ કર્યો, જેના માટે સરકારે ₹૪ કરોડ ૨૬ લાખ ૭ હજારની સહાય ચૂકવી. સિંધુ દર્શન યોજના હેઠળ ૯૦૮ શ્રદ્ધાળુઓને ₹૧ કરોડ ૩૬ લાખ ૨૦ હજારની સહાય ચૂકવાઈ. વર્ષ ૨૦૨૩-૨૪માં શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ ૧૦,૬૯૯ વડીલોએ ૨૩૯ બસો દ્વારા પ્રવાસ કર્યો, જેના માટે સરકારે ₹૧ કરોડ ૩૬ લાખ ૧૭ હજારની સહાય ચૂકવી, તો સિંધુ દર્શન યોજના હેઠળ ૩૦૦ શ્રદ્ધાળુઓને ₹૪૫ લાખની સહાય ચૂકવવામાં આવી. ગત વર્ષ ૨૦૨૪-૨૫માં શ્રવણ તીર્થ દર્શન યોજનાનો ૧૫,૫૩૭ વરિષ્ઠ નાગરિકોએ ૩૨૭ બસોમાં પ્રવાસ કરી લાભ લીધો, જેના માટે સરકારે ₹૧ કરોડ ૯૭ લાખ ૨૬ હજારની સહાય ચૂકવી, તો સિંધુ દર્શન યોજના હેઠળ ૩૦૦ યાત્રાળુઓને ₹૪૫ લાખની સહાય ચૂકવાઈ છે. આ આંકડા દર્શાવે છે કે ગુજરાતી શ્રદ્ધાળુઓની તીર્થયાત્રાની ઇચ્છાપૂર્તિમાં ગુજરાત સરકાર મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.