ગાંધીનગરઃ હવેથી ઉદ્યોગ માટે ગુજરાત સરકારે માત્ર 6 ટકા વાર્ષિક ભાડામાં જમીન આપશે. ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પોલીસી- ૨૦૨૦ હેઠળ ઔદ્યોગિક હેતુ માટે સરકારી પડતર જમીન ભાડાપટ્ટે આપવા મહેસૂલ વિભાગે મંગળવારે ઠરાવ પ્રસિધ્ધ કર્યો હતો. આ ઠરાવ અનુસાર હવેથી સરકારી પડતરમાંથી મહત્તમ ૫૦ વર્ષ માટે પૂર્ણ બજાર કિંમતના ૬ ટકા વાર્ષિક ભાડાના અવેજમાં જમીન ફાળવવાનું નક્કી કર્યુ છે.


ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, ભાડાપટ્ટા પર આપવામાં આવેલ જમીન પર દર પાંચ વર્ષે 10 ટકા ભાડુ વધશે. ઉપરાંત 50 વર્ષ બાદ નિયમો અનસાર સરકા ભાડપટ્ટો રિન્યુ પણ કરી શકે છે. નવા ઠરાવ અનુસાર ઔદ્યોગિક એકમે લીઝ એગ્રીમેન્ટથી ત્રણ વર્ષમાં ઉત્પાદન શરૂ કરવાનું રહેશે. આવી જમીનના એપ્રોચ માટેની વ્યવસ્થા ઔદ્યોગિક એકમે કરવાની રહેશે. તેના માટે ખાનગી જમીન સંપાદન કરવી પડે તોય એકમે જ ખર્ચ ઉપાડવાનો રહેશે. લીઝ ઉપર આપેલી જમીન પૂર્વ મંજૂરીથી સબ- લીઝ અથવા સબ- લેટ પણ કરી શકાશે.


મહેસૂલ વિભાગે ચોક્કસ શરતોને આધિન ઔદ્યોગિક એકમને ભાડાપટ્ટેથી આપેલી સરકારી જમીનના લીઝ હોલ્ડ હકો લોનના હેતુ માટે બેંક, નાણાકિય સંસ્થાના તારણમાં મુકવા પણ નવા ઠરાવમાં છુટ આપી છે. જેમાં એકમ લોન ભરપાઈ કરવામાં અસમર્થ રહે ત્યારે વેચાણ કે હરાજી માત્ર લીઝ હોલ્ડ હકોનું જ થઈ શકશે, જમીનનું નહિ તેવી ખાસ સ્પષ્ટતા કરાઈ છે. જમીનનું ભાડુ તથા લાગુ પડતા ઈતરવેરાઓ અગાઉથી ચૂકવવાની શરત સાથે આ ઠરાવમાં નિયત તારીખથી ૯૦ દિવસની મુદ્દત પછી ૧૨ ટકા વ્યાજ વસૂલવાનું પણ કહેવાયુ છે.


લીઝ એગ્રીમેન્ટ થયા પછી ઔદ્યોગિક એકમ પોતાને મળેલી સરકારી જમીન કાયમી ધોરણે એટલે કે વેચાણથી લેવા માંગણી કરે તો સરકાર તે જમીનના પ્રવર્તમાન બજાર કિંમતે નવી, અવિભાજ્ય, વિક્રિયાદી (વેચી ન શકાય તેવી) નિયંત્રીત શરતે ફાળવી શકશે !


ઉત્પાદન ચાલુ હોય ત્યારે બીજી કંપની સાથે મર્જર કે અમાલ્ગેમેશનને તબક્કે પ્રવર્તમાન લીઝના રેન્ટના ૨૦ ટકા પ્રિમિયમ વસૂલવાની શરતે અને લીઝ રેન્ટના ૨૦ ટકા વધારા સાથેનું લીઝ રેન્ટ લાગુ પડશે તે શરતે સરકાર લીઝ એગ્રીમેન્ટ રિવાઈઝ કરી આપશે. એટલુ જ નહી, એકમ ચાલુ કે બંધ હાલતમાં હોય ત્યારે પણ અન્ય ઉદ્યોગકારના હસ્તાંતરને તબક્કે ઉક્ત શરતો જ લાગુ પડશે પરંતુ, તેના માટે નવો એગ્રીમેન્ટ કરાશે.