disabled students exam relief: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા પરિપત્ર અનુસાર, હવે ધોરણ 9 થી 12 ના દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન લખવા માટે વધારાનો સમય (Compensatory Time) તેમજ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને નકશા કે આકૃતિવાળા પ્રશ્નોમાં વિકલ્પો આપવા જેવી અનેક મહત્વની રાહતો જાહેર કરવામાં આવી છે. આ નવી જોગવાઈઓ શૈક્ષણિક વર્ષ 2025-26 થી અમલમાં આવશે.

Continues below advertisement

પરીક્ષાના સમયમાં વધારો: કલાક દીઠ 20 મિનિટ વધુ મળશે

સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, દિવ્યાંગ વિદ્યાર્થીઓને હવે પ્રશ્નપત્ર લખવા માટે નિયત સમય કરતા વધારે સમય ફાળવવામાં આવશે. આ માટેની ગણતરી નીચે મુજબ રહેશે:

Continues below advertisement

દરેક 1 કલાકના પેપર માટે વિદ્યાર્થીને 20 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે.

જો પેપર 2 કલાકનું હોય, તો વિદ્યાર્થીને કુલ 40 મિનિટ વધારે મળશે.

3 કલાકના પ્રશ્નપત્ર માટે વિદ્યાર્થીઓને કુલ 60 મિનિટ (1 કલાક) નો વધારાનો સમય આપવામાં આવશે.

મહત્વની બાબત એ છે કે આ વધારાનો સમય લહિયાની મદદ લેનાર અને ન લેનાર એમ તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહેશે.

દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે પ્રશ્નપત્ર અને પ્રેક્ટિકલમાં વિશેષ છૂટછાટ

જે વિદ્યાર્થીઓને દ્રષ્ટિની સમસ્યા છે (અંધત્વ કે અલ્પદ્રષ્ટિ), તેમના માટે પ્રશ્નપત્રમાં ખાસ રાહત આપવામાં આવી છે. આવા વિદ્યાર્થીઓને પરીક્ષામાં આકૃતિ, નકશા કે ગ્રાફ દોરવાના પ્રશ્નોને બદલે અન્ય વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે.

ઉપરાંત, વિજ્ઞાન પ્રવાહના (ધોરણ 11 અને 12) વિદ્યાર્થીઓ માટે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન જેવા વિષયોમાં પ્રયોગકાર્ય (Practical) ને બદલે તેટલા જ ગુણનું 'MCQ Type' પ્રશ્નપત્ર આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

લહિયા અને રીડરની સુવિધા અંગેના નિયમો

લખવામાં અસમર્થ હોય તેવા દિવ્યાંગ વિદ્યાર્થીઓ લહિયા (Writer) અથવા વાચક (Reader) ની સેવા મેળવી શકશે.

સ્થાનિક પરીક્ષાઓ માટે શાળાના આચાર્ય અને બોર્ડની જાહેર પરીક્ષા માટે જિલ્લા શિક્ષણાધિકારી આ મંજૂરી આપશે.

વિદ્યાર્થી પોતાનાથી એક ધોરણ નીચેના વિદ્યાર્થીને લહિયા તરીકે રાખી શકશે.

જો વિદ્યાર્થી લહિયો ન રાખે અને માત્ર વાચકની માંગણી કરે, તો જિલ્લા શિક્ષણાધિકારીએ વિનામૂલ્યે આ સુવિધા પૂરી પાડવાની રહેશે.

ટેકનોલોજીનો ઉપયોગ: કોમ્પ્યુટર/લેપટોપની પરવાનગી

સંપૂર્ણ અંધ કે અલ્પદ્રષ્ટિ ધરાવતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોમ્પ્યુટર કે લેપટોપનો ઉપયોગ કરી શકશે. જોકે, આ માટે તેમણે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. શરત માત્ર એટલી રહેશે કે આ સાધનોમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી ન હોવી જોઈએ અને બ્રેઈલ લિપિના સોફ્ટવેર સિવાય અન્ય કોઈ ડેટા હોવો જોઈએ નહીં. ચકાસણી માટે આ સાધનો પરીક્ષાના 3 દિવસ પહેલા જમા કરાવવાના રહેશે.