Nitin Patel: ગુજરાતના રાજકારણમાં પોતાની સ્પષ્ટવક્તા માટે જાણીતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. મહેસાણાના કડી (Kadi) ખાતે યોજાયેલા એક સહકારિતા સંમેલનમાં તેમણે પોતાના જ પક્ષના કેટલાક હોદ્દા લોભી કાર્યકરો અને ભ્રષ્ટાચારી તત્વોને આડેહાથ લીધા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવીને ફરવાથી નેતા નથી બની જવાતું, ગોરખધંધા કરનારાઓને હવે જનતા ઓળખી ગઈ છે."

Continues below advertisement

કડીના ચંપાબા ટાઉનહોલ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને ખરીદ વેચાણ સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં નીતિન પટેલે મંચ પરથી રોકડું પરખાવી દીધું હતું. તેમણે વર્તમાન રાજકીય માહોલ, કાર્યકરોની માનસિકતા અને સહકારી ક્ષેત્રના દૂષણો પર આકરા પ્રહારો કર્યા હતા.

ભાજપનો ખેસ અને 'ગોરખધંધા' 

Continues below advertisement

નીતિન પટેલે કટાક્ષ કરતા કહ્યું હતું કે, કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ અને ધંધા-ગોરખધંધા ચલાવવા માટે ગાડી પર ભાજપનો પટ્ટો કે ખેસ લગાવીને ફરે છે. તેમનો ઈશારો એવા તત્વો તરફ હતો જે પાર્ટીના નામે પોતાના કામ કઢાવે છે. તેમણે ટકોર કરતા કહ્યું, "શરૂઆતમાં કદાચ લોકો છેતરાતા હશે, પણ હવે જનતા બધું જાણે છે. સાચું શું છે તેની બધાને ખબર છે, એટલે હવે લોકો છેતરાતા નથી."

નવા નિશાળિયાઓને શિખામણ: "સીધા હોદ્દા ન મળે" 

આજની યુવા પેઢી અને નવા જોડાયેલા કાર્યકરો પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, "છોકરો ભણીને ઉતરે એટલે તરત જ ભાજપનો ખેસ પહેરી લે છે અને સીધી હોદ્દાની માંગણી કરવા લાગે છે." તેમણે કોંગ્રેસના શાસન સમયના સંઘર્ષને યાદ કરતા કહ્યું કે, અત્યારે સરકારની જાહોજલાલી જોઈને લોકો સંઘર્ષ ભૂલી ગયા છે. તમે કોઈ પરિશ્રમ કે મહેનત કરી નથી, તેથી સીધું પદ મળવું અઘરું છે. કામ કરનારને કોઈ આગળ કરતું નથી અને બધાને માત્ર સત્તા જ જોઈએ છે.

ખેડૂતોના નામે લોન કૌભાંડ પર પ્રહાર 

સહકારી ક્ષેત્રમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિશે વાત કરતા તેમણે પાટણ જિલ્લાનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, "ઘણીવાર ખેડૂતોને ખબર પણ નથી હોતી અને મંડળીના મંત્રીઓ તેમના નામે લોન ઉપાડી લે છે. આવા ભ્રષ્ટાચારને કારણે આજે 2-3 મંત્રીઓ જેલના સળિયા પાછળ છે." તેમણે સહકારી આગેવાનોને ચીમકી આપી હતી કે આવું વર્તન સાંખી લેવામાં આવશે નહીં.

"મદદ ન કરો તો કઈ નહીં, પણ કોઈને નડો નહીં" 

પોતાના સંબોધનના અંતે તેમણે ઉપસ્થિત લોકોને એક મહત્વની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે સમાજમાં એકબીજાને સહકાર આપવાની ભાવના ઓછી થઈ ગઈ છે. જો તમે કોઈને મદદ ન કરી શકો તો કઈ વાંધો નહીં, પરંતુ કોઈના કામમાં અડચણરૂપ તો ન જ બનો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મોદી સાહેબે રામ મંદિર બનાવ્યું એટલે લોકો આજે 'જય શ્રી રામ' બોલે છે, બાકી સુખમાં ભગવાનને કોઈ યાદ કરતું નથી.