Gujarat solar power project: ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકાઓમાં વીજ ખર્ચ ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, રાજ્ય સરકારે નગરપાલિકાઓ માટે સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેના દ્વારા નગરપાલિકાઓ પોતાની વીજળી ઉત્પન્ન કરી શકશે અને આત્મનિર્ભર બનશે.
રાજ્યના શહેરી વિકાસ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર રાજ્યની તમામ નગરપાલિકાઓમાં વીજ ખર્ચ ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ ગ્રીન એનર્જી વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. સોલાર ઉર્જા દ્વારા નગરપાલિકાઓના વીજ બિલમાં નોંધપાત્ર ઘટાડો થશે.
આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ૫૦ કિલોવોટથી વધુ ક્ષમતાવાળા લોકેશનને પ્રાથમિકતા આપવામાં આવશે. આ સોલાર પાવર પ્રોજેક્ટમાં રાજ્યની કુલ ૮૦ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે, જેમાં "અ" વર્ગની ૩૧, "બ" વર્ગની ૨૦, "ક" વર્ગની ૨૫ તથા "ડ" વર્ગની ૪ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.
ગુજરાત વિધાનસભામાં બારેજા નગરપાલિકાના પંપીંગ સ્ટેશન ખાતે સૌર ઉર્જાથી વીજળી પૂરી પાડવા અંગેના પ્રશ્નના જવાબમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, બારેજા નગરપાલિકા તરફથી કુલ ૧૩ સ્થળો પર સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે દરખાસ્ત મળી હતી, જેમાં ૮ ટ્યુબવેલ, ૪ પમ્પિંગ સ્ટેશન અને ૧ એસટીપીનો સમાવેશ થાય છે. હાલમાં, બારેજા નગરપાલિકાના મહિજડા પાટિયા એસ.ટી.પી. ખાતે ૯૯ કિલોવોટ ક્ષમતાના રૂ. ૮૬.૨૧ લાખના ખર્ચે સોલાર પાવર પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, જે ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ થકી વાર્ષિક અંદાજે ૧,૪૪,૦૦૦ યુનિટ વીજળી ઉત્પન્ન થશે.
મંત્રી શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યના શહેરોમાં પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાના અસરકારક અમલીકરણ માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા ગુજરાત શહેરી વિકાસ કંપની લિ. કાર્યરત છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશન જેવા એકમોના સંચાલનમાં વીજ વપરાશ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, જેના કારણે નગરપાલિકાઓને મોટું વીજ બિલ ભરવું પડે છે. આ સમસ્યાને દૂર કરવા માટે સરકારે નગરપાલિકાઓને આત્મનિર્ભર બનાવવા અને તમામ યોજનાઓ સ્વયં સંચાલિત થાય તે માટે STP, WTP, પમ્પિંગ સ્ટેશન અને અન્ય નગરપાલિકા માલિકીના સ્થળો પર સોલાર પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય લીધો છે.
આ પ્રોજેક્ટના અમલીકરણ માટે ગુજરાત શહેરી વિકાસ કંપની લિ. (GUDC)ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. GUDC અત્યાર સુધીમાં ૧૩.૩૯ મેગાવોટની ક્ષમતાના ૧૦૪ સોલાર પ્રોજેક્ટ રૂ. ૯૪.૪૬ કરોડના ખર્ચે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જેનાથી નગરપાલિકાઓને વાર્ષિક અંદાજે રૂ. ૧૩ કરોડનો વીજ બિલમાં ફાયદો થશે.
પ્રથમ તબક્કામાં ૫૦ કિલોવોટથી વધુ વીજ વપરાશ ધરાવતા સ્થળોને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેથી રોકાણ પર વળતરનો સમયગાળો મર્યાદિત રહે. રાજ્ય સરકાર દ્વારા ૧૯૪ સંભવિત સ્થળો પર કુલ ૨૩.૩૩ મેગાવોટની ક્ષમતાના રૂ. ૧૬૩.૮૭ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે.
આ પ્રોજેક્ટ અમલમાં આવવાથી ૮૦ નગરપાલિકાઓને દર વર્ષે રૂ. ૨૩ કરોડથી વધુની બચત થવાની સંભાવના છે. બાકી રહેલી નગરપાલિકાઓ માટે કેન્દ્રીય ધોરણે કેપ્ટિવ યુઝ હેઠળ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના કલમસર ગામે ૧૫૦ મેગાવોટ ક્ષમતાનો સોલાર પ્લાન્ટ સ્થાપવાનું સરકારનું આયોજન છે, જેનો ડીપીઆર બનાવવાની કામગીરી ચાલી રહી છે.
યોજનાના અમલીકરણ માટેની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે. નગરપાલિકા દ્વારા દરખાસ્ત GUDCમાં સબમિટ કરવામાં આવે છે, ત્યારબાદ GUDC દ્વારા ફિઝિબિલિટી ચકાસણી કરવામાં આવે છે અને સરકારની મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા દ્વારા એજન્સીની નિમણૂક કરવામાં આવે છે. નિમણૂક બાદ એજન્સીને ૫ વર્ષ માટે મરામત અને નિભાવણીની જવાબદારી સોંપવામાં આવે છે. ટેન્ડરની શરતો મુજબ, એજન્સી માટે ગેરન્ટેડ જનરેશનની શરત પણ લાગુ હોય છે.
GUDC દ્વારા ૫૦ કિલોવોટથી મોટા પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવાનું મુખ્ય કારણ એ છે કે ઓછી વીજ ડિમાન્ડ ધરાવતા સ્થળોએ સોલાર પ્લાન્ટ સ્થાપવાથી રોકાણ પર વળતરનો સમયગાળો લાંબો થઈ જાય છે, જે આર્થિક રીતે વ્યવહારુ નથી. નાના વિજ ડિમાન્ડ વાળા સ્થળો માટે કેન્દ્રીય ધોરણે એક મોટો સોલાર પ્લાન્ટ સ્થાપીને નગરપાલિકાને તેમની જરૂરિયાત મુજબ લાભ આપવાનું સરકારનું આયોજન છે.