Biporjoy: રાજ્યમાં ગઇકાલે ત્રાટકેલા વાવાઝોડાથી અનેક લોકોને અસર પહોંચી છે, દરિયા કાંઠાના અનેક ગામોને બિપરજૉય વાવાઝોડુ આવે એ પહેલા ખાલી કરાવી દેવામાં આવ્યા હતા, કેટલાય લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, આમ છતાં કેટલાય લોકોને અસર પહોંચી છે. હવે આ બધાની વચ્ચે સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં ગુજરાત સરકારના મંત્રી સ્થાનિકોને મદદ કરતાં દેખાઇ રહ્યાં છે.
વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, ગુજરાત સરકારના ગૃહ મંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે દ્વારકાની અચાનક મુલાકાતે પહોંચી ગયા હતા, અહીં તેમને સ્થાનિકોને મદદ કરી હતી. વાવાઝોડાની અસરથી દ્વારકા જિલ્લો ખુબ જ પ્રભાવિત થયો છે. ગૃહમંત્રી ગઈકાલ રાતથી અહીં ખડેપગે રહીને તમામ સ્થિતિની વિગતો લઇ રહ્યાં હતા, હર્ષ સંઘવીએ વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ, ગુજરાત પોલીસ સહિત તમામ તંત્રની ટીમોની ભરપુર પ્રસંશા કરી હતી.
વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી બચાવ અને રાહત કામગીરી કરી રહેલી ફૉર્સ ટીમની વચ્ચે છે, રસ્તાંઓ પર ધરાશાઇ થઇ ગયેલા ઝાડોને વચ્ચેથી સાઇડમાં ખસેડવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન તેઓ પોલીસ અને અને અન્ય સ્ટાફને સલાહ પણ આપી રહ્યાં છે. હર્ષ સંઘવીએ ખુદ નૉર્મલ કપડાં ટીશર્ટ અને જીન્સમાં માથે ટોપી પહેરીને હાજરી આપી હતી.
હર્ષ સંઘવી દ્વારકામાં વાવાઝોડાની સ્થિતિનો તાગ લેવા નીકળ્યા હતા ત્યારે તેમણે મીડિયા સાથે વાત કરી હતી. આ સમયે તેઓએ કહ્યું કે પ્લાનિંગ અને સતર્કતાથી કામગીરી કરવાના કારણે આપણા દરિયાકિનારાના જે સૌથી વધારે રિસ્ક વાળા ગામડાં હતા ત્યાંથી અનેક લોકોને સ્થળાતરિંત કરીને તેમનો જીવ બચાવી લેવાયો છે. બચાવ કામગીરીમાં ભગવાનના આશીર્વાદથી સફળતા મળી છે. આ સાથે તેઓએ તમામ કામગીરીની પ્રશંસા કરી છે અને સાથે તેઓએ પોતાના પરિવારને છોડીને ગુજરાતવાસીઓની સેવામાં કામગીરીમાં રાતે પણ ફરજ નીભાવી છે. પશુ હોય પક્ષીઓ હોય કે માનવીઓ તમામને આ આફતથી બચાવવા માટેની કામગીરી કરાઈ છે.