Gujarat government decision: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે જમીન માપણીની પ્રક્રિયાને વેગવંતી અને પારદર્શક બનાવવા માટે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. 4 ડિસેમ્બર, 2025 થી અમલમાં આવેલા નવા નિયમ મુજબ, હવે ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવાની અને તેમના પર નિયંત્રણ રાખવાની સત્તા સેટલમેન્ટ કમિશનર પાસેથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને જમીન માપણી માટે મહિનાઓ સુધી રાહ જોવી નહીં પડે અને જિલ્લા કક્ષાએ જ પ્રશ્નોનો ઝડપી નિકાલ આવશે.

Continues below advertisement

ગાંધીનગર સુધી લાંબા થવું નહીં પડે: સત્તાનું વિકેન્દ્રીકરણ

અત્યાર સુધીની વ્યવસ્થામાં જમીન માપણી માટેના ખાનગી સર્વેયરો (Private Surveyors) ને લાયસન્સ આપવાની તમામ સત્તા ગાંધીનગર સ્થિત સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક પાસે કેન્દ્રિત હતી. આ કારણે નાની-નાની મંજૂરીઓ માટે પણ ફાઈલો રાજ્ય કક્ષાએ અટવાતી હતી અને અરજદારોને મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મહેસૂલ વિભાગે સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું છે. હવેથી આ તમામ પ્રક્રિયા જિલ્લા કલેક્ટરના નેજા હેઠળ થશે, જેનાથી વહીવટી પ્રક્રિયા ઝડપી બનશે.

Continues below advertisement

જિલ્લા કલેક્ટર બનશે ‘સુપ્રીમ ઓથોરિટી’

નવા ઠરાવ મુજબ, જિલ્લા કલેક્ટરની ભૂમિકા હવે માત્ર દેખરેખ પૂરતી સીમિત નથી રહી, પરંતુ તેમને નિર્ણાયક સત્તાઓ આપવામાં આવી છે. કલેક્ટર હવે નીચે મુજબની કામગીરી સંભાળશે:

ખાનગી સર્વેયરોની નવી નોંધણી મંજૂર કરવી અને લાયસન્સ ઈશ્યુ કરવા.

સર્વેયરોની લાયકાત અને પ્રોફાઇલનું વેરિફિકેશન કરવું.

લાયસન્સ રિન્યુ કરવા અથવા ગેરરીતિ જણાય તો રદ કરવા.

માપણી માટેની ફી નક્કી કરવી અને તેની વસૂલાત પર નજર રાખવી.

કયા સર્વેયરને કેટલા કેસ ફાળવવા, તેની વ્યવસ્થા ગોઠવવી.

ભ્રષ્ટાચાર પર લગામ: પોલીસ વેરિફિકેશન ફરજિયાત

જમીન માપણીમાં પારદર્શિતા જળવાઈ રહે અને ખોટા તત્વો આ ક્ષેત્રમાં ન ઘૂસી જાય તે માટે સરકારે કડક નિયમો પણ બનાવ્યા છે. હવેથી લાયસન્સ મેળવનારા દરેક સર્વેયરનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, કલેક્ટર કચેરી દ્વારા દરેક લાયસન્સનો ડિજિટલ રેકોર્ડ મેન્ટેન કરવામાં આવશે અને નિયમિત સમયાંતરે રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવશે. આ પગલાથી માપણી પ્રક્રિયામાં થતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ પર અંકુશ આવશે.

પેન્ડિંગ કેસોનો ભરાવો થશે દૂર

મહેસૂલ વિભાગના ઉપસચિવ ચિંતન ચૌધરી દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવમાં નોંધવામાં આવ્યું છે કે રાજ્યમાં જમીન માપણીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જૂની પદ્ધતિને કારણે હજારો અરજીઓ પેન્ડિંગ રહેતી હતી. હવે કલેક્ટર કચેરી પોતાની જરૂરિયાત અને કેસના ભારણ મુજબ સર્વેયરોની નિમણૂક કરી શકશે, જેનાથી પેન્ડિંગ કેસોનો નિકાલ ઝડપથી આવશે. નાગરિકોને હવે સ્થાનિક સ્તરે જ સુવિધા મળી રહેશે, જેનાથી સમય અને શક્તિનો બચાવ થશે.

અમલવારી શરૂ: 4 ડિસેમ્બર, 2025 થી નવો નિયમ લાગુ

રાજ્ય સરકારે આ નિર્ણયને તાત્કાલિક અસરથી લાગુ કરી દીધો છે. 4 ડિસેમ્બર, 2025 થી નવી વ્યવસ્થા અમલમાં આવી ચૂકી છે. આ ફેરફારથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના જમીન માલિકોને મોટી રાહત મળવાની આશા છે, કારણ કે હવે માપણી માટેની પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત અને જવાબદાર બનશે.