ગાંધીનગરઃ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ લવ જિહાદના કાયદો લાવવાની કવાયત રાજ્ય સરકારે શરૂ કરી છે. સોમવારથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પણ શરૂ થયું છે.  જોકે બજેટ સત્રની શરૂઆત પહેલા કામકાજ સલાહકારની બેઠક મળી હતી. આ બેઠકમાં 1 એપ્રિલ સુધી 32 બેઠકો મારફતે ગૃહનું કામકાજ શું હશે તે નક્કી કરવામાં આવ્યુ હતું.


આ દરમિયાન ગુજરાત સરકારે ‘લવ જિહાદ’ને નાથવા માટે કાયદો લાવવાની જાહેરાત કરી છે. રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી  પ્રદીપસિહ જાડેજાએ જાહેરાત કરી કે, ‘લવ જિહાદ’ને નાથવા માટે ધાર્મિક સ્વાતંત્રતાનો કાયદો સુધારવામાં આવશે અને એ માટે વિધાનસભા સત્રમાં વિધેયક લાવવામાં આવશે. તા સોમવારે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, અગાઉ જાહેર થયેલા ચાર વટહુકમોને સુધારા વિધેયક તરીકે રજૂ કરવાનો પ્રસ્તાવ છે.

પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ કે, સત્ર દરમિયાન ‘હિદું નામ ધારણ કરી દિકરીઓ અને બહેનોને પ્રેમ જાળમાં ફસાવી ધર્મ પરિવર્તનના ઈરાદાથી કરાતા આંતરધર્મિય લગ્નો કે બળજબરીથી કરાતા લગ્નો અટકાવવા સખત સજાની જોગવાઈ કરતો લવ જિહાદ’ના નામે કાયદો રાજ્ય સરકાર લાવશે.  આ માટે ધર્મ સ્વાતંત્રતાના કાયદામાં સુધારો કરવામાં આવશે. લવ જિહાદ’ના નામે ચાલતી ધર્માંતરણની પ્રવૃતિ ઉપર અંકુશ આવશે. તાજેતરમાં મુખ્યમંત્રી રૂપાણીએ પણ લવ જિહાદ’ના નવા કાયદા લાવવાના સ્પષ્ટ સંકેત આપ્યા હતા.