Gujarat High Court Mubarat ruling: ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે મુસ્લિમ યુગલો 'મુબારત' એટલે કે પરસ્પર સંમતિથી, મૌખિક રીતે પણ તેમના લગ્નનો અંત લાવી શકે છે. આ માટે કોઈ લેખિત કરાર જરૂરી નથી. રાજકોટના એક દંપતીની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે ફેમિલી કોર્ટના તે આદેશને રદ કર્યો, જેમાં લેખિત કરારની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. આ નિર્ણયથી એવા યુગલોને મોટી રાહત મળશે જેઓ શાંતિપૂર્ણ રીતે અલગ થવા માંગે છે. હાઈકોર્ટે આ કેસને 3 મહિનામાં ઉકેલવાનો નિર્દેશ પણ આપ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું કે મુસ્લિમ પર્સનલ લો (શરિયત) અનુસાર, 'મુબારત' દ્વારા છૂટાછેડા માટે મૌખિક સંમતિ પૂરતી છે અને લેખિત કરારની જરૂર નથી. જસ્ટિસ એ. વાય. કોગજે અને જસ્ટિસ એન. એસ. સંજય ગૌડાની બેન્ચે રાજકોટના એક દંપતીની અરજી પર આ ટિપ્પણી કરી. ફેમિલી કોર્ટે આ દંપતીની અરજીને લેખિત કરારના અભાવે ફગાવી દીધી હતી, જેને હાઈકોર્ટે રદ કરી. હાઈકોર્ટે કહ્યું કે શરિયત હેઠળ આવો કોઈ નિયમ નથી કે જેમાં લેખિત કરારની જરૂર હોય. કોર્ટે આ કેસને ફરીથી ફેમિલી કોર્ટમાં મોકલ્યો છે અને આગામી 3 મહિનામાં સુનાવણી પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે.

શું છે 'મુબારત' અને ફેમિલી કોર્ટનો નિર્ણય?

'મુબારત' મુસ્લિમ પર્સનલ લૉમાં છૂટાછેડાની એક પદ્ધતિ છે જેમાં પતિ અને પત્ની બંને પરસ્પર સંમતિથી લગ્નનો અંત લાવવાનો નિર્ણય લે છે. આ એક શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ રીતે અલગ થવાનો માર્ગ છે. રાજકોટના એક યુવાન મુસ્લિમ દંપતીએ પરસ્પર મતભેદોને કારણે આ પદ્ધતિનો ઉપયોગ કરી ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જોકે, ફેમિલી કોર્ટે તેમની અરજી એ આધાર પર ફગાવી દીધી કે 'મુબારત' માટે કોઈ લેખિત કરાર રજૂ કરવામાં આવ્યો નથી.

હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

ફેમિલી કોર્ટના આ નિર્ણયને પડકારતા દંપતીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે દંપતીની દલીલને માન્ય ગણી અને સ્પષ્ટપણે કહ્યું કે શરિયત હેઠળ 'મુબારત' માટે લેખિત કરાર જરૂરી નથી. કોર્ટે પોતાના ચુકાદામાં કુરાન, હદીસ અને મુસ્લિમ પર્સનલ લોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "મુબારત માટે, પતિ-પત્નીની પરસ્પર સંમતિની મૌખિક અભિવ્યક્તિ લગ્નનો અંત લાવવા માટે પૂરતી છે."

હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને સંપૂર્ણપણે ખોટો ઠેરવીને રદ કર્યો અને કેસને ફરીથી ફેમિલી કોર્ટમાં પાછો મોકલી આપ્યો.

કેસના ઝડપી નિવારણ માટે નિર્દેશ

આ કેસની સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે દંપતીની ઉંમર અને તેમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્દેશ પણ આપ્યો. કોર્ટે ફેમિલી કોર્ટને આદેશની નકલ મળ્યાની તારીખથી 3 મહિનાની અંદર આ કેસની સુનાવણી પૂર્ણ કરવા અને યોગ્યતાના આધારે નિર્ણય લેવા જણાવ્યું.