Gujarat Heat Wave News: ગુજરાતમાં હજુ પણ કાળઝાળ ગરમી યથાવત રહેશે, હવામાન વિભાગ અને આગાહીકારોની આગાહી પ્રમાણે, ગુજરાતમાં હજુ પણ ગરમી યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. એપ્રિલ મહિનાના શરૂઆતથી જ ગુજરાતભરમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, હવે આ પારો આગામી સમયમાં 40 ડિગ્રીને પાર થવાની આગાહી કરવામાં આવી છે. 


હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે. આ પાંચ દિવસ સુધી રાજ્યમાં તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો વધારો થતાં અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જઇ શકે છે. તાજા રિપોર્ટ પ્રમાણે, આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમી પડવાની શક્યતાઓ છે. રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં લૂ ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આઠ શહેરોનું મહત્તમ તાપમાન 37 થી 40 ડિગ્રીને પાર રહેવાનું પણ અનુમાન છે. આ ઉપરાંત અમદાવાદ, અમરેલીમાં 38.8 ડિગ્રીથી વધુ તાપમાન પહોંચશે. 12 એપ્રિલ સુધીમાં અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે. પૂર્વ અને ઉત્તર-પૂર્વના કેટલાક ભાગો, ઉત્તર-પશ્ચિમના કેટલાક ભાગો સિવાય મોટાભાગના વિસ્તારોમાં વધુ ગરમી પડશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય તાપમાનથી વધુ રહેવાનો અનુમાન છે.


લૂ થી બચવું હોય તો અજમાવી જુઓ આ 5 કારગર ઉપાય, કાળઝાળ ગરમીમાં પણ રહેશો સ્વસ્થ


તમારી જાતને હાઇડ્રેટેડ રાખો


ઉનાળામાં હીટ વેવને કારણે ડિહાઇડ્રેશનનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં સમયાંતરે પાણી પીતા રહો, જેથી શરીર હાઇડ્રેટ રહે. આ સિઝનમાં દરરોજ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવાનો પ્રયાસ કરો. તમારા આહારમાં પુષ્કળ ફળો અને શાકભાજીનો સમાવેશ કરો.


બહાર જવાનું ટાળો


જો તમે હિટવેવથી  બચવા માંગતા હોવ તો જરૂર સિવાય ઘરની બહાર જવાનું ટાળો. પંખા, કુલર, એસી સાથે ઘરની અંદર જ રહો. જો આ વસ્તુઓ ઘરમાં ન હોય તો પડદા કે શેડ્સ રાખો. આનાથી તમે હીટ વેવના ગંભીર જોખમોથી બચી શકો છો.


સૂર્યના કિરણોથી બચવાનો પ્રયાસ કરો


જ્યારે પણ હિટ વેવ  હોય ત્યારે સીધા સૂર્યપ્રકાશમાં ન આવવું. જો તમે કોઈ કારણસર બહાર જતા હોવ તો પણ કેપ, ટુવાલ અને ચશ્માનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. માત્ર હળવા રંગના અથવા વ્હાઇટ  કપડા પહેરો, જેથી ત્વચાને સુરક્ષિત રાખી શકાય અને હિટ વેવથી બચી શકાય.


 વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ ટાળો


ઉનાળા હિટ વેવ દરમિયાન વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ ટાળવાનો પ્રયાસ કરો. કારણ કે ઉનાળાની ઋતુમાં વધારે વર્કઆઉટ કરવાથી શરીરનું તાપમાન વધી શકે છે. તેનાથી હીટ સ્ટ્રોકનું જોખમ વધી શકે છે.


 ખાલી પેટ બહાર જવાનું ટાળો


જો બહાર હિટ વેવ પ્રબળ હોય તો ભૂલથી પણ ક્યારેય ખાલી પેટે ઘરની બહાર ન નીકળો. આમ કરવાથી ગરમી અને  તીવ્ર સૂર્યપ્રકાશને કારણે ચક્કર આવી શકે છે. તેથી, જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ છો, ત્યારે કંઈક ખાધા પછી જ બહાર જાવ,જેથી સમસ્યાઓથી બચી શકાય.