Gujarat heavy rain forecast: ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાની તૈયારી કરી લીધી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 કલાક માટે અત્યંત ભયજનક આગાહી કરવામાં આવી છે. આ નવી આગાહી મુજબ, રાજ્યમાં મધ્યમથી લઈને અતિભારે વરસાદ ખાબકવાની પૂરેપૂરી શક્યતા છે, જેને પગલે રાજ્યના 10 જેટલા જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી 'રેડ એલર્ટ' જાહેર કરી દેવામાં આવ્યું છે.
કયા વિસ્તારો પર છે ખતરો?
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા ભારે ધડબડાટી બોલાવે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી અને વલસાડ જિલ્લાની સાથે સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ મુશળધાર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદ અને મધ્ય ગુજરાત માટે ચેતવણી
બીજી તરફ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામશે. અમદાવાદ, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. ખાસ કરીને અમદાવાદવાસીઓ માટે મોટા સમાચાર એ છે કે આગામી 3 કલાકમાં શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડી શકે છે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં પણ આવનારા 3 કલાકમાં જ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની સ્પષ્ટ આગાહી છે, જેથી લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાત રેઈન એલર્ટ: આગામી બે દિવસ આ 5 જિલ્લાઓમાં તૂટી પડશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય થતાં મેઘતાંડવ
ગુજરાત પર એકસાથે 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. સુરત સહિત રાજ્યના 5 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદના 'રેડ એલર્ટ' અને અન્ય 3 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે લોકોનું જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની આગાહીની સૌથી ભયંકર અસર હાલ સુરતમાં જોવા મળી રહી છે. સોમવારે 5 ઇંચ વરસાદ ખાબક્યા બાદ, આજે (7 જુલાઈ) સવારથી જ અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીના આંકડા જોઈએ તો, સુરતના કામરેજમાં સૌથી વધુ 8.5 ઇંચ, સુરત શહેરમાં 7 ઇંચ અને પલસાણામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. સતત વરસાદને લીધે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ટ્રેક્ટર અને બોટ મારફતે સુરક્ષિત સ્થળે ખસેડવાની (રેસ્ક્યૂ) ફરજ પડી રહી છે.
કરૂણ મોત અને શાળાઓમાં રજા
આ જળબંબાકાર વચ્ચે સુરતમાંથી બે કરૂણ ઘટનાઓ પણ સામે આવી છે. વરસાદી માહોલમાં કરંટ લાગવાથી એક બાળકીએ જીવ ગુમાવ્યો છે, જ્યારે વીજળી પડવાથી એક મહિલાનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત, સહારા દરવાજાના ગરનાળામાં મુસાફરોથી ભરેલી એક એસટી બસ ફસાઈ ગઈ હતી; જોકે સદનસીબે તેમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી સંપૂર્ણ રજા જાહેર કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
