Gujarat weather forecast: ગુજરાતમાં અત્યારે મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્ય પર એકસાથે 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર હવે મેઘકહેરમાં ફેરવાઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં અનેક જિલ્લાઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

Continues below advertisement

કયા વિસ્તારોમાં છે એલર્ટ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વેલમાર્ક લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ત્રણ ટ્રફ એમ કુલ 5 સિસ્ટમ સક્રિય છે.

Continues below advertisement

રેડ એલર્ટ: આજે (7 જુલાઈ) સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને ભાવનગર સહિત સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ઓરેન્જ એલર્ટ: અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, ખેડા અને અરવલ્લીમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.

સુરતમાં સ્થિતિ બેકાબૂ: ટ્રેક્ટર અને બોટથી રેસ્ક્યૂ

આ આગાહીની સૌથી ભયંકર અસર સુરતમાં જોવા મળી રહી છે. સોમવારે 5 ઇંચ વરસાદ બાદ આજે સવારથી જ અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીના આંકડા જોઈએ તો, સુરતના કામરેજમાં સૌથી વધુ 8.5 ઇંચ, સુરત શહેરમાં 7 ઇંચ અને પલસાણામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે.

સતત વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ટ્રેક્ટર અને બોટ મારફતે રેસ્ક્યૂ કરવાની નોબત આવી છે. સુરતમાં ખાડીના જળસ્તરમાં પણ ભયજનક રીતે વધારો થઈ રહ્યો છે, જેનાથી આગામી કલાકોમાં સ્થિતિ વધુ વિકટ બનવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

સુરતમાં 2 નાં મોત, શાળાઓમાં રજા જાહેર

અવિરત વરસાદને કારણે સુરતમાં કરૂણ ઘટનાઓ પણ સામે આવી છે. વરસાદી માહોલ વચ્ચે કરંટ લાગવાથી એક બાળકીનું અને વીજળી પડવાથી એક મહિલાનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત, સહારા દરવાજાના ગરનાળામાં મુસાફરોથી ભરેલી એક એસટી બસ ફસાઈ ગઈ હતી, જોકે સદનસીબે તમામ મુસાફરો સુરક્ષિત છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા સુરત મહાનગરપાલિકા અને નગરપાલિકાએ તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખીને સંપૂર્ણ રજા જાહેર કરી દીધી છે.

શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલાયા, પણ કચ્છ હજુ કોરું

સમગ્ર રાજ્યની વાત કરીએ તો, આજે બપોરના 2 વાગ્યા સુધીમાં 141 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ભાવનગરના શેત્રુંજી ડેમમાં ધસમસતી પાણીની આવક થઈ છે, જેને પગલે ડેમના તમામ 59 દરવાજા 1 ફૂટ 6 ઇંચ ખોલવામાં આવ્યા છે.

જોકે, આ કુદરતની કરામત જ કહી શકાય કે એક તરફ રાજ્યના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર છે, ત્યારે બીજી તરફ 7 જુલાઈ વીતી જવા છતાં રાજ્યના 8 તાલુકાઓ એવા છે જ્યાં હજુ સુધી મોસમનો એક પણ વરસાદ પડ્યો નથી. આશ્ચર્યની વાત એ છે કે, આ 8 માંથી 6 તાલુકા તો માત્ર કચ્છ જિલ્લાના જ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર