gujarat rain forecast: હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય માટે આગામી 3 દિવસની વરસાદની નવી આગાહી અને ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ખાસ કરીને ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં સ્થાનિક પ્રશાસનને અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. આ 3 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની પણ પૂરેપૂરી શક્યતા છે.

ઉત્તર ગુજરાત અને કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી તેમજ કચ્છ જિલ્લામાં આજે અને આવતીકાલે તીવ્ર વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની આગાહી છે. આ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. આ ઉપરાંત ગુરુવારે પણ આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડવાનું અનુમાન છે.

Continues below advertisement
Continues below advertisement

સૌરાષ્ટ્રમાં કેવો રહેશે માહોલ?

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, મોરબી અને બોટાદ જિલ્લામાં આજે ભારે પવન સાથે તીવ્ર વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે આવતીકાલે અને ગુરુવારે અહીં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં આજે અને આવતીકાલે તેજ પવન સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથમાં ગુરુવારે પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! ગુજરાતના 12 જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ રહેશે વરસાદી માહોલ

અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર સહિતના મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજે અને આવતીકાલે તેજ પવન સાથે મધ્યમ વરસાદ પડશે. ગુરુવારના રોજ અહીં કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં પણ આગામી 3 દિવસ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે.

ખાસ નોંધ: હવામાન વિભાગની આગાહી મુજબ, વરસાદની તીવ્રતા ભલે અલગ-અલગ હોય, પરંતુ રાજ્યના તમામ જિલ્લાઓમાં પવનની ગતિ પ્રતિ કલાકે 50 થી 60 કિમીની રહેશે, જેથી નાગરિકોને કામ સિવાય બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા જણાવાયું છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?