gujarat nowcast rain alert: ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે તાત્કાલિક ધોરણે એટલે કે 'નાઉ કાસ્ટ' (Nowcast) બુલેટિન જાહેર કરીને આગામી 3 કલાક માટે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. સાંજે 7 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધીના આ અનુમાન મુજબ, કેટલાક જિલ્લાઓમાં 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદ પડવાની પૂરી સંભાવના છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગર સહિતના અન્ય વિસ્તારોમાં પવન સાથે હળવો વરસાદ પડી શકે છે.
આગામી 3 કલાક ક્યાં કેવો રહેશે માહોલ?
ભારે વરસાદ અને તોફાની પવનની ચેતવણી:
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકી શકે છે. આ વિસ્તારોમાં પવનની ગતિ સૌથી વધુ ખતરનાક એટલે કે 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જેથી આ વિસ્તારોના લોકોને ખાસ સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે રહેવા જણાવાયું છે.
મધ્યમ પવન અને હળવો વરસાદ:
બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના અમુક ભાગોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે. અહીં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સામાન્ય પવન અને ઝાપટાં:
આ સિવાય ઉત્તર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના પાટણ, અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા અને તાપી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે. અહીં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સામાન્ય પવન ફૂંકાવાની અને હળવા છાંટા પડવાની કે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
આજનું હવામાન અને પવનની ગતિ (1 જૂન):
ઓરેન્જ એલર્ટ: મહિનાના પહેલા જ દિવસે પૂર્વ અને મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓ (સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા) માં પ્રમાણમાં વધુ વરસાદની શક્યતા હોવાથી ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
યલો એલર્ટ: કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં (દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર સિવાય) હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.
પવનની ગતિ: આજે ગુજરાતના ઘણા ભાગોમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી છે. દરિયામાં વાવાઝોડા અને ભારે પવનની સ્થિતિને જોતા માછીમારોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.
આ પણ વાંચોઃ 11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
2 થી 4 જૂન: ક્યાં કેવો રહેશે માહોલ?
2 જૂન: ઓરેન્જ એલર્ટ હળવું થઈ જશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ (દ્વારકા, જામનગર, પોરબંદર) ને બાદ કરતાં લગભગ આખા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ રહેશે.
3 જૂન: આખા ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. બાકી રહી ગયેલા સૌરાષ્ટ્રના વિસ્તારોનો પણ તેમાં સમાવેશ થઈ જશે, એટલે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં યલો એલર્ટ લાગુ પડશે.
4 જૂન: વરસાદી સિસ્ટમનો વ્યાપ થોડો ઘટશે. કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા અને રાજકોટ સહિતના મધ્ય-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોને રાહત મળશે. જોકે, દક્ષિણ ગુજરાત (સુરત, નવસારી, વલસાડ વગેરે), પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં (ભાવનગર, ગીર સોમનાથ, દીવ) હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
