Gujarat weather alert tonight: ગુજરાતમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાએ ભારે તબાહી મચાવી છે. સુરત, નવસારી અને વલસાડમાં પડેલા ધોધમાર વરસાદે સામાન્ય જનજીવન એકદમ અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહેતા થયા છે, અને તેની સીધી અસર મુંબઈ તરફ જતા રેલવે વ્યવહાર પર પડી છે જે લગભગ ખોરવાઈ ગયો છે. આ ગંભીર અને વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રાતના 10 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આશંકા સાથે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે.

Continues below advertisement

સુરતમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ: 2 યુવકોના કરુણ મોત

સુરત શહેરમાં બપોરે 4 વાગ્યા પછી આકાશમાંથી જાણે આફત વરસી હોય તેમ માત્ર 2 જ કલાકમાં 4 ઈંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકી ગયો હતો. આ 1 કલાકના ધોધમાર વરસાદે કતારગામ, અઠવાલાઇન્સ, વરાછા અને અડાજણ સહિતના અનેક વિસ્તારોને જળબંબોળ કરી દીધા હતા. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જતાં અને દુકાનો-સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં લોકો ભારે પરેશાન થયા હતા. સાંજે ઓફિસેથી છૂટવાના સમયે જ વરસાદ તૂટી પડતાં વાહનચાલકો અને કર્મચારીઓ અટવાયા હતા. આ દરમિયાન, રાંદેર વિસ્તારમાં વીજકરંટ લાગવાથી 2 યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આજના આંકડાઓ જોઈએ તો, સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 98 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં 39 તાલુકામાં 1 ઈંચથી વધુ અને વાપી, પારડી તેમજ સુરત શહેરમાં સૌથી વધુ 4-4 ઈંચ વરસાદ પડ્યો છે.

Continues below advertisement

23 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગની તાકીદની આગાહી મુજબ, સાંજે 7 થી રાત્રે 10 વાગ્યા દરમિયાન 3 કલાક માટે રાજ્યના 23 જિલ્લાઓમાં કટોકટીભરી સ્થિતિ સર્જાઈ શકે છે. આ જિલ્લાઓમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, જૂનાગઢ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા, પંચમહાલ અને મહેસાણાનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા લોકોને અત્યંત સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો

રેલવે વ્યવહાર બરાબરનો ખોરવાયો: મુસાફરો માટે ખાસ વ્યવસ્થા

મહારાષ્ટ્રના પાલઘર નજીક રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા અને ટ્રેક ધોવાઈ જવાના કારણે મુંબઈ જતો રેલ વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. આના લીધે હજારો મુસાફરો રસ્તામાં અટવાયા છે.

કર્ણાવતી અને જોધપુર-બાંદ્રા જેવી મહત્વની મુખ્ય ટ્રેનોને વલસાડ અને વાપીથી જ પાછી ફેરવવાની ફરજ પડી છે.

અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ અને અજમેર-દાદર સહિતની 7 જેટલી ટ્રેનોને મુંબઈ પહોંચતા પહેલા જ અલગ-અલગ સ્ટેશનો પર ટૂંકાવી (શોર્ટ-ટર્મિનેટ) દેવાઈ છે.

મધ્ય રેલવેમાં ભૂસ્ખલનની ઘટનાને કારણે અમદાવાદ-ચેન્નઈ સેન્ટ્રલ અને પુણે-ભુજ સહિતની 3 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

પશ્ચિમ રેલવે દ્વારા સુરત-માલદા ટાઉન એક્સપ્રેસને 6.45 કલાક મોડી એટલે કે સાંજે 5:15 વાગ્યે ઉપાડવાનો નિર્ણય લેવાયો છે.

અટવાયેલા મુસાફરોની સહુલિયત માટે વહીવટી તંત્ર અને રેલવે દ્વારા સુરત, વલસાડ અને વાપી સ્ટેશનો પર તાત્કાલિક સ્પેશિયલ હેલ્પ ડેસ્ક અને ખાસ ST બસોની સુવિધા ઉભી કરવામાં આવી છે. રેલવે પ્રશાસને લોકોને નમ્ર અપીલ કરી છે કે તેઓ ઘરની બહાર નીકળતા પહેલા પોતાની ટ્રેનનું સ્ટેટસ અચૂક ચેક કરી લે.

આ પણ વાંચોઃ ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત