Gujarat high alert news: ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને યુદ્ધ જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે. આ અત્યંત ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગુજરાત રાજ્ય સંપૂર્ણપણે હાઈ એલર્ટ મોડમાં આવી ગયું છે અને રાજ્યભરમાં સુરક્ષા તથા ઇમર્જન્સી વ્યવસ્થાને લઈને અભૂતપૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સેના, પોલીસ અને વિવિધ સરકારી વિભાગો સંકલનમાં રહીને કાર્ય કરી રહ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભયાનક તણાવ અને પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવી રહેલા ઉશ્કેરણીજનક પ્રયાસો વચ્ચે ગુજરાત રાજ્ય સુરક્ષાની દ્રષ્ટિએ સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. આજે (૯ મે, ૨૦૨૫) ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો, સંબંધિત જિલ્લાના વહીવટી વડાઓ અને પોલીસ તંત્રના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સાથે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી ગુજરાતની સુરક્ષા અંગેની માહિતી મેળવી હતી.

સરહદી અને હવાઈ સુરક્ષા:

સુરક્ષાને ધ્યાને રાખીને ગુજરાતના પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી ગામોમાં સુરક્ષાદળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અગાઉ, સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ પણ જાહેર કરાયો હતો. આ સાથે, ભુજ એરપોર્ટને પણ સેનાને હવાલે કરી દેવામાં આવ્યું છે, જે હવાઈ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ પગલું છે.

ખોટી માહિતી અને અફવાઓ સામે કાર્યવાહી

સોશિયલ મીડિયાના માધ્યમથી અફવાઓ ફેલાવવા અને સેનાનું મનોબળ તૂટે તેવી પોસ્ટ કરનારા તત્વો સામે રાજ્ય સરકાર કડક બની છે. આવા ચાર લોકો સામે અત્યાર સુધીમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં તમામ જિલ્લા પોલીસ વડાઓને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. તેમણે નાગરિકોને પણ કોઈ અફવા કે ફેક મેસેજ પર ધ્યાન ન આપવા અને સાચી માહિતી માટે જિલ્લા તંત્રનો સંપર્ક કરવા અપીલ કરી છે. ગૃહ વિભાગ આવી પોસ્ટ કરનાર પર બાજ નજર રાખી રહ્યું છે. આર્મી સૈન્યની મૂવમેન્ટ અંગે કોઈ પણ પ્રકારની માહિતી શેર કરનાર કે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરનાર સામે પણ કાર્યવાહી કરવા આદેશ અપાયા છે.

ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ

સાવચેતીના ભાગરૂપે, આગામી ૧૫ મે સુધી લગ્ન સહિતના પ્રસંગોમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે લોકોને સહકાર આપવા માટે અપીલ કરી છે અને નિયમ તોડનાર સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

આરોગ્ય અને ઇમર્જન્સી સેવાઓની સજ્જતા

ઇમર્જન્સીની સ્થિતિને પહોંચી વળવા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક તૈયારીઓ કરાઈ છે. આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા તમામ તબીબો, પેરામેડિકલ તથા અન્ય અધિકારી કર્મચારીઓની માંદગી સિવાયની તમામ પ્રકારની રજાઓ રદ કરવામાં આવી છે અને તેમને ફરજ પર તાત્કાલિક હાજર થવા તથા હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. આરોગ્ય વિભાગ દવાઓનો પૂરતો સ્ટોક, ડોકટરોની ટીમો, લાઈટ કટ થાય તો જનરેટરોની વ્યવસ્થા કરવા સહિતની સૂચનાઓ આપી દેવામાં આવી છે.

  • એમ્બ્યુલન્સ વ્યવસ્થા: ઇમર્જન્સી સેવાને પહોંચી વળવા અમદાવાદથી ૭૫ નવી જેટલી એમ્બ્યુલન્સ કચ્છ, ભુજ, જામનગર અને દ્વારકા ખાતે મોકલવામાં આવી છે. જેમાં ૪૦ કચ્છ ભુજ ખાતે, ૨૦ જામનગર અને ૧૫ દ્વારકા ખાતે ફાળવાઈ છે. કચ્છના સંવેદનશીલ વિસ્તાર ભુજમાં વધારાની ૩૦ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રખાશે. દરેક એમ્બ્યુલન્સમાં બે સ્ટાફ મૂકવામાં આવ્યા છે અને તેઓ જે તે જિલ્લાના કલેકટરની સૂચના પ્રમાણે સ્થળ ઉપર ૨૪ કલાક હાજર રહેશે. અલગ અલગ શહેરોમાંથી પણ એમ્બ્યુલન્સ કચ્છ ખાતે પહોંચી છે.
  • હોસ્પિટલની તૈયારીઓ: જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ૮૦૦ બેડ સાથે સંપૂર્ણ સજ્જ બની છે. તમામ તબીબો, નર્સિંગ સ્ટાફ અને વર્ગ ૪ના કર્મચારીઓની રજાઓ રદ કરાઈ છે. આગામી ત્રણ મહિના માટે પૂરતો દવાનો સ્ટોક અને આવશ્યક ઓક્સિજનનો જથ્થો સંગ્રહ કરાયો છે. જિલ્લામાં રક્તની અછત ન સર્જાય તે માટે રક્તદાન કેમ્પના આયોજનની તૈયારીઓ ચાલી રહી છે. પાટણના ધારપુરની હોસ્પિટલમાં પણ ઇમર્જન્સી માટે ૧૧૫ ડોકટર, ૩૨૫ નર્સિંગ સ્ટાફ, ૧૫૦ પેરામેડિકલ સ્ટાફ તૈનાત રખાયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧,૬૧૮ બેડ છે અને ૨૦ ICU અને વેન્ટિલેટર બેડ રિઝર્વ રખાયા છે. દવાઓનો સ્ટોક પણ વધારવામાં આવી રહ્યો છે.

દરિયાઈ અને સંવેદનશીલ સ્થળોની સુરક્ષા

ગુજરાતના દરિયાઈ કિનારા અને સંવેદનશીલ સ્થળોએ પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે.

  • સુરત: સુરતના દરિયાઈ કિનારે બ્લેક કમાન્ડો અને મરીન કમાન્ડો દ્વારા પેટ્રોલિંગ વધારાયું છે. ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં હથિયાર સાથે પોલીસ જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા છે. હજીરા ખાતે ગુપ્ત ૬ વિસ્તારોમાં સિક્યુરિટી ગોઠવાઈ છે અને સુરત એરપોર્ટ પર પણ સુરક્ષા વધારાઈ છે.
  • દ્વારકા: દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારે ભારતીય સેનાએ મોરચો સંભાળી લીધો છે. જગત મંદિરમાં સુરક્ષા એજન્સીઓએ વ્યવસ્થા કડક કરી છે. ઓખા પણ સતર્ક છે. જિલ્લા કલેકટર અને પોલીસ વડાએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી છે. દાયકાઓ પહેલા પાકિસ્તાને દ્વારકા પર હુમલો કર્યો હોવાથી આ વિસ્તારમાં વિશેષ સુરક્ષા વધારાઈ છે. જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓ રદ કરાઈ છે અને દરિયા કિનારેથી સ્થાનિક લોકોને ઘરે જવા સૂચના અપાઈ છે. દ્વારકાધીશ મંદિર પરિસરમાં હથિયારધારી જવાનો તૈનાત કરાયા છે.
  • સોમનાથ: દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર પર હાઈ એલર્ટ સાથે સુરક્ષા સઘન કરાઈ છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાએ વધુ પોલીસ અધિકારીઓની નિમણૂક કરી છે. દરિયાઈ પેટ્રોલિંગ, ક્યુઆરટી ટીમમાં વધારો કરાયો છે. ડોગ સ્ક્વોડ, બોંબ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. હોટલ ગેસ્ટહાઉસમાં આવતા પ્રવાસીઓ પર નજર રાખવા સાથે બસ અને રેલવે સ્ટેશન પર સરપ્રાઈઝ ચેકિંગ કરાઈ રહ્યું છે.
  • શામળાજી: અરવલ્લીના શામળાજી મંદિરમાં બોમ્બ સ્ક્વોડ અને SOG દ્વારા વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે અને દર્શન માટે આવતા યાત્રાળુઓની પણ ચકાસણી કરાઈ રહી છે.