Vipul Chaudhary Bail application:  મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સામે 320 કરોડની ગેરરીતિના કેસમાં જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat Highcourt) જામીન અરજી કરવામાં આવી છે. વિપુલ ચૌધરીની સાથે તેમના CA શૈલેષ પરીખ સામે પણ ગુન્હો નોંધાયો હતો. હાલ જેલમા બંધ શૈલેષ પરીખને મોટી રાહત આપતાં હાઈકોર્ટે શૈલેષ પરીખની જામીન અરજી મંજુર કરી છે.


વિપુલ ચૌધરીને ક્યારે જામીન મળશે?


વિપુલ ચૌધરીની સાથે તેમના સીએ શૈલેષ પરીખ પણ જેલમાં બંધ છે. જો કે, નિયમિત જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. આ અરજી અંગે આજે હાઈકોર્ટે સુનાવણી કરતાં સીએ શૈલેષ પરીખની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે મંજુર કરી છે. 


બીજી તરફ, વિપુલ ચૌધરી દ્વારા કરવામાં આવેલી જામીન અરજી અંગે થયેલી સુનાવણીમાં રાજ્ય સરકારે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જો કે, આવતીકાલે શુક્રવારે વિપુલ ચૌધરીની જામીન અરજીમાં વધુ સુનાવણી બાદ હાઇકોર્ટ નિર્ણય કરશે કે વિપુલ ચૌધરીને જામીન આપવા કે નહી. હાલ, સીએ શૈલેષ પરીખના જામીન ગુજરાત હાઈકોર્ટે મંજુર કર્યા છે.


જામીન અરજીમાં વિપુલ ચૌધરીએ શું કહ્યું?


ગુજરાત હાઈકોર્ટમાં વિપુલ ચૌધરીએ કરેલી જામીન અરજીમાં રજૂઆત કરાઈ છે કે, રાજનૈતિક કિન્નાખોરીમાં તેમની ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે. આ સાથે વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય દબાણમાં કેસ કરાયો હોવાની પણ કરાઈ ફરિયાદ અરજીમાં કરાઈ છે. વર્ષ 2015માં ચેરમેન પદેથી મુક્ત થયા બાદ સાત વર્ષના વિલંબ બાદ કરાયેલી ફરિયાદ તથ્ય વિહોણી હોવાની પણ રજૂઆત હાઈકોર્ટને કરાઈ છે. નિયમિત જામીન પર મુક્ત કરવામાં આવે તેવી વિપુલ ચૌધરીએ માંગણી કરી છે.


વિપુલ ચૌધરીની અરજીનો સરકારે વિરોધ કર્યોઃ


ગુજરાતમાં હાઈકોર્ટમાં વિપુલ ચૌધરીએ કરેલી આ જામીન અરજીનો રાજ્ય સરકાર તરફથી વિરોધ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે અરજીના જવાબમાં એન્ટીકરપ્શન બ્યુરોને વિપુલ ચૌધરી સામે મળેલા પ્રાથમિક પુરાવાઓ અંગે કોર્ટને જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે, વિપુલ ચૌધરીએ દૂધ સાગર ડેરીના તેમના કાર્યકાળમાં 320 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાના આરોપ સાથે ACBએ વિપુલ ચૌધરી પર કર્યો કેસ છે.