ગઢડા ગોપીનાથ મંદિર છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે.  હાલમાં  ગઢડા ગોપીનાથ મંદિરના ભૂતપૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી અને ઘનશ્યામ સ્વામીને બોટાદ જિલ્લાના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 6 જિલ્લામાંથી તડીપાર કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. નાયબ કલેક્ટરે  સ્વામીને બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને અમદાવાદ એમ 6 જિલ્લામાંથી બે વર્ષ માટે તડીપાર કરવા નોટીસ આપી હતી.


મેજિસ્ટ્રેટના હુકમ વિરુદ્ધ સ્વામી દ્વારા ગુજરાત હાઈ કોર્ટમાં સ્ટે માટે અરજી કરવામાં આવી હતી. ગુજરાત હાઈ કોર્ટ દ્વારા આચાર્ય પક્ષના હરિભક્તો માટે સારા સમાચાર આવ્યાં છે. હાઈકોર્ટ દ્વારા હુકમ વિરુદ્ધ સ્ટે આપવામાં આવ્યો છે.  હાઈકોર્ટે  DYSP, ના.કલેક્ટર, ગઢડા PSIને હાજર રહેવા હુકમ કર્યો છે.  આ સાથે જ તડીપાર કરવા માટેના શુ કારણ તે જણાવવા પણ આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે એસપી સ્વામી વિરૂદ્ધ 2007ના જુનો કેસ અને લોકડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી.


ગોપીનાથજી મંદિરના સંતોને તડીપાર કરતા ગઢડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંતોને કરાયેલો તડીપારનો હુકમ રદ કરવાની મામલતદારને રજૂઆત કરી હતી તથા જો તડીપારનો હુકમ રદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલન કરવાની ચીમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગોપીનાથજી મંદિરના એસપી સ્વામી અને ઘનશ્યામ વલ્લભ સ્વામીને બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યા હતા.