Gujarat Home Guard retirement age: રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં પોલીસ સાથે ખભેખભા મિલાવીને કામ કરતા હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકારે અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદા જે અત્યાર સુધી 55 વર્ષ હતી, તેમાં 3 વર્ષનો વધારો કરીને 58 વર્ષ કરી છે. આ નિર્ણયના કારણે રાજ્યના હજારો જવાનોને સીધો લાભ મળશે અને તેઓ વધુ સમય સુધી રાષ્ટ્રસેવા કરી શકશે.
મુંબઈ હોમગાર્ડ્ઝ રૂલ્સ, 1953માં કરાયો સુધારો
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હોમગાર્ડ જવાનોના હિતમાં એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. સરકારે 'મુંબઈ હોમગાર્ડ્ઝ રૂલ્સ, 1953' ના નિયમ-9 માં જરૂરી સુધારા કર્યા છે. આ કાયદાકીય સુધારાને પરિણામે હવેથી હોમગાર્ડ સભ્યોની નિવૃત્તિ વય 55 વર્ષથી વધીને 58 વર્ષ થઈ ગઈ છે. એટલે કે, જવાનો હવે પહેલા કરતા 3 વર્ષ વધુ સમય સુધી પોતાની ફરજ પર કાર્યરત રહી શકશે.
પોલીસના 'મદદગાર મિત્ર' તરીકેની કામગીરી
આ અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હોમગાર્ડ દળ રાજ્ય પોલીસના એક મજબૂત પૂરક બળ તરીકે સેવા આપે છે. ચૂંટણી હોય, વી.આઈ.પી. બંદોબસ્ત હોય, રાત્રિ પેટ્રોલિંગ હોય કે પછી ટ્રાફિક નિયમન; હોમગાર્ડના જવાનો હંમેશા ખંતથી પોતાની ફરજ બજાવે છે. મેળા અને ધાર્મિક પ્રસંગોએ પણ તેમની કામગીરી સરાહનીય રહી છે. સરકારના આ નિર્ણયથી જવાનોમાં રાષ્ટ્રસેવાનો જુસ્સો વધશે અને તેઓ વધુ ઉત્સાહથી ફરજ બજાવશે.
કૌટુંબિક જવાબદારીઓમાં મળશે રાહત
હોમગાર્ડના જવાનો માનદ સેવા આપે છે અને તેમના શિરે પણ પરિવારની મોટી જવાબદારીઓ હોય છે. નિવૃત્તિ વયમર્યાદામાં કરાયેલો આ વધારો તેમને આર્થિક અને સામાજિક રીતે મદદરૂપ થશે. 3 વર્ષનો વધારાનો સેવાકાળ તેમને પોતાની કૌટુંબિક ફરજો પૂરી કરવામાં ટેકો આપશે. વળી, હોમગાર્ડ જવાનો સ્થાનિક સ્તરે લોકો સાથે સીધા જોડાયેલા હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને મળતી મદદ વધુ અસરકારક બનશે.
ઇતિહાસ અને ભથ્થામાં થયેલો વધારો
અત્રે ઉલ્લેખનીય છે કે, બૃહદ મુંબઈ રાજ્યમાં 6 ડિસેમ્બર, 1947ના રોજ આંતરિક સુરક્ષા અને કુદરતી આફતોમાં પોલીસને મદદ કરવાના હેતુથી હોમગાર્ડ દળની સ્થાપના કરવામાં આવી હતી. સરકાર હોમગાર્ડ જવાનોના કલ્યાણ માટે સમયાંતરે નિર્ણયો લેતી રહે છે. આ પહેલાં વર્ષ 2022માં જવાનોના માનદ વેતનમાં 50% નો વધારો કરવામાં આવ્યો હતો. 31 નવેમ્બર, 2022ના રોજ દૈનિક ભથ્થું 300 રૂપિયાથી વધારીને 450 રૂપિયા કરવામાં આવ્યું હતું.