મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટી જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે. 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં રાષ્ટ્રીય રમોત્સવ યોજાશે. મુખ્યમંત્રીએ ટ્વિટ કરી આ જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતું કે રાષ્ટ્રીય રમતોત્સવને શ્રેષ્ઠ બનાવવા કોઇ કસર છોડવામાં આવશે નહીં. ગુજરાત વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ છે. રાજ્યના લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે નવો જ ઉત્સાહ છે.
ગીર સોમનાથમાં જળપ્રલયઃ આ તાલુકામાં 48 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો
ગીર સોમનાથ જિલ્લામાં જળપ્રલયની સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસથી મેઘરાજા અહીં રૌદ્ર બનીને વરસી રહ્યા છે. સુપ્રસિદ્ધ પ્રાચી તીર્થના સરસ્વતી નદીમાં આવેલું માધવરાયજીનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. હંમેશની જેમ સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાયજી પ્રભુ પાણીમાં જળમગ્ન થયા છે. સીઝનમાં પહેલી વખત સરસ્વતી નદી બે કાંઠે વહેતા અહીના પૂજારી ઋષિ બાપુએ નવા નીરના વધામણા કર્યા હતા. તો નદીમાં પૂરને જોવા આસપાસના ગ્રામજનો ઉમટી પડ્યા હતા. તો હિરણ 2 ડેમમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. વેરાવળ અને તાલાલાની વચ્ચે આવેલો છે હિરણ 2 ડેમ. જો કે, હિરણ 2 ડેમ હજુ છલકાયો નથી. કેમ કે, હિરણ 1 ડેમ છલકાયા બાદ હિરણ 2 ડેમમાં પાણીની આવક વધે છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઈકાલે બપોરના 4 વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. છેલ્લા 48 કલાકમાં સુત્રાપાડામાં 18 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. સુત્રાપાડાનું વડોદરા ઝાલા ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ગ્રામજનોના મતે 55થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. તો ખેતરો તળાવમાં ફેરવાયા છે. ગ્રામજનોના મતે 15 દિવસ સુધી અહીં પાણી ઓસરતા નથી. તો ઉના શહેરમાં પણ જળબંબાકરની સ્થિતિ જોવા મળી છે. ગઈકાલે ઉના શહેરમાં વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.