ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે યુવાઓને પ્રોત્સાહન આપતી  મોટી જાહેરાત કરશે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી આ જાણકારી  આપી હતી. 




શું હોઈ શકે છે જાહેરાત ?
એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યના મુખ્યપ્રધાન યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધે એ માટે કોઈ મોટી જાહેરાત કરી શકે છે. આમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે સિદ્ધિ બદલ રમતવીરોને ઇનામ, નોકરી કે અન્ય સરકારી લાભોની જાહેરાત થઇ શકે છે. અથવા આજે દિવ્યાંગો માટે યોજનાની જાહેરાત કરવામાં આવી એવી રીતે કોઈ મોટી યોજનાની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. 


મુખ્યમંત્રીએ આજે દિવ્યાંગો માટે દિવ્યાંગ સમીપે સ્કીમ લોન્ચ કરી 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની દિવ્યાંગ સમીપે યોજનાનો શુભારંભ કરાવતા જણાવ્યું કે, "દિવ્યાંગ સમીપે યોજનાની" પહેલ દિવ્યાંગજનોને લર્નિંગ લોસ માંથી બહાર કાઢવામાં આશીર્વાદરૂપ બની રહેશે. 


મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, નરેન્દ્રભાઈએ દિવ્યાંગજનો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સન્માનપૂર્ણ જીવનનો સેવા યજ્ઞ શરૂ કરી જે જ્યોત જલાવી તે આજે પણ પ્રજ્વલિત છે અને તેને વધુ ઝળહળતી કરવાનો આ પ્રસંગ છે. તેમણે દિવ્યાંગ જેવી સન્માનજનક ઓળખ આપીને દિવ્યાંગો પ્રત્યેનો અભિગમ બદલ્યો. વડાપ્રધાન  પોતાનો જન્મદિવસ નવસારીમાં ઉજવીને દિવ્યાંગોને 11 હજાર કરોડની સાધન સહાય આપી વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો.


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વંદે ગુજરાત સંદર્ભે જણાવ્યું કે, છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતના 8796  દિવ્યાંગજનોને રૂ.100 કરોડની સાધન સહાય અને અન્ય દિવ્યાંગજનોને 190 કરોડની શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવી છે.


જન્મથી મુકબધીરતા ધરાવતા 2463  બાળકોની 87 કરોડના ખર્ચે કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી સંપૂર્ણપણે વિનામૂલ્યે હાથ ધરવામાં આવી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. દિવ્યાંગજનો સાંકેતિક ભાષામાં વીડીયોકોલ થી પોતાની સમસ્યાઓ, મુંજવતા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ મેળવી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ દિવ્યાંગ સમીપે યોજનાને ઇશ્વરીય કામ ગણાવી સમગ્ર જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.