Gujarat Kisan Sahay: ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકારે જાહેર કરેલા ઐતિહાસિક ₹10,000 કરોડના કૃષિ રાહત પેકેજની અમલવારી ઝડપભેર થઈ રહી છે. સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ત્વરિત કાર્યવાહી કરતા, અત્યાર સુધીમાં 3.39 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોના બેંક ખાતામાં અંદાજે ₹1,098 કરોડથી વધુની સહાય જમા કરી દેવામાં આવી છે. જે ખેડૂતોએ હજુ સુધી આ સહાય માટે અરજી નથી કરી, તેમના માટે હવે ગણતરીના દિવસો બાકી છે, કારણ કે અરજી કરવાની છેલ્લી તારીખ 5 December છે.
સહાય મેળવવાની છેલ્લી તારીખ: 5 ડિસેમ્બર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને થયેલા નુકસાનમાં આર્થિક પીઠબળ પૂરું પાડવા માટે ઉદાર હાથે પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ અંતર્ગત લાભ મેળવવા માટે રાજ્યભરના ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ VCE/VLE (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર) મારફતે ઓનલાઇન અરજીઓ કરી રહ્યા છે. ખેડૂતોએ ખાસ નોંધ લેવી કે આ પ્રક્રિયા માટેની સમયમર્યાદા આગામી તારીખ 5 December સુધી જ છે. તેથી બાકી રહેલા ખેડૂતોએ સત્વરે પોતાની અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી હિતાવહ છે, જેથી તેઓ સહાયથી વંચિત ન રહી જાય.
29.80 લાખ અરજીઓ અને બિલ પ્રક્રિયા
સરકારની આ જાહેરાતને ખેડૂતો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે. કૃષિ વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ:
કુલ અરજીઓ: અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 29.80 લાખ અરજીઓ પ્રાપ્ત થઈ છે.
બિલ મંજૂરી: તંત્ર દ્વારા ચકાસણી બાદ 4.91 લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા માટે ₹1,497.71 કરોડના બિલો તૈયાર કરી દેવામાં આવ્યા છે.
ખેડૂતોના ખાતામાં જમા થઈ માતબર રકમ
તૈયાર થયેલા બિલો પૈકી 3.39 લાખ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ₹1,098 કરોડથી વધુની રકમ સફળતાપૂર્વક જમા થઈ ચૂકી છે. મળેલી અરજીઓની ચકાસણી પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને તબક્કાવાર રીતે પાત્રતા ધરાવતા તમામ ખેડૂતોને નાણાં ચૂકવવામાં આવી રહ્યા છે.
સરકારની પ્રતિબદ્ધતા: કોઈ વંચિત ન રહે
રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કમોસમી વરસાદનો ભોગ બનેલો રાજ્યનો કોઈપણ ખેડૂત આ આર્થિક સહાયથી વંચિત ન રહી જાય. મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર પારદર્શિતા સાથે આ કામગીરી પૂર્ણ કરી રહ્યું છે, જેથી ખેડૂતોને તેમના નુકસાનનું વળતર સમયસર મળી રહે.