અમદાવાદ: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં નિરસ મતદાને રાજકીય પક્ષોની ચિંતા વધારી છે. છેલ્લા 8 કલાકમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મતદાનની ઓછી ટકાવારી જોવા મળી રહી છે. રાજ્યની 68 પાલિકામાં 3 વાગ્યા સુધીમાં સરેરાશ 44 ટકા મતદાન થયું છે. રાજ્યમાં મતદાન વચ્ચે અનેક જગ્યાએ EVM માં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાની ફરિયાદો મળી છે. દ્વારકાના સલાયામાં ચાલુ મતદાને EVMમાં ક્ષતિ હોવાનું સામે આવ્યું હતું. ઈવીએમમાં ખામી સર્જાતા ત્રણ વખત તેને બદલવામાં આવ્યું હતું, EVMમાં ભાજપનું બટન જ દબાતું હોવાની મતદારોની ફરિયાદ હતી.
રાધનપુરમાં મતદાન દરમિયાન EVMમાં ખામી
સુરેન્દ્રનગરના થાનગઢ, પંચમહાલના હાલોલ અને પાટણના રાધનપુરમાં મતદાન દરમિયાન EVMમાં ખામી સર્જાઇ હતી. 15 મિનિટથી લઇ એક કલાક માટે મતદાન રોકી દેવાયું હતું. વારંવાર EVM ખોટકાવાથી મતદારોમાં રોષ જોવા મળ્યો હતો. થાનગઢમાં મતદારો વિફરતા પોલીસ જવાનો બૂથ પર દોડી આવ્યા હતા.
ધરમપુરમાં ત્રણ વોર્ડમાં EVMમાં ખામી
વલસાડની ધરમપુરમાં ત્રણ વોર્ડમાં EVMમાં ખામીનો આરોપ છે. વોર્ડ નંબર 1,3 અને 4માં EVMમાં ખામીનો કોંગ્રેસનો આરોપ છે. EVMનું બટન હાર્ડ હોવાની ફરિયાદ મળી હતી. કોંગ્રેસના આરોપ બાદ વોર્ડ નં 4માં EVM બદલાયું હતું.
બીલીમોરા નગર પાલિકાની ચૂંટણીમાં EVMમાં ખામી
નવસારીની બીલીમોરા નગર પાલિકાની ચૂંટણીમાં EVMમાં ખામી સર્જાતા કોર્ગેસે ગરબડીનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસનું બટન ન દબાતા કોંગ્રેસના ઉમેદવારે EVM મશીન પર સવાલ ઉઠાવ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે રી-વોટિંગની માંગ કરી હતી. EVM શરૂ ન થતા મતદારોએ પરત જવાની ફરજ પડી હતી.
સલાયા પાલિકાની ચૂંટણીમાં ચાલુ મતદાને EVMમાં ક્ષતિ
દ્વારકાના સલાયા પાલિકાની ચૂંટણીમાં ચાલુ મતદાને EVMમાં ક્ષતિ સામે આવી હતી. જીન વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર 1 પર EVMમાં ખામી સર્જાઈ હતી. EVMમાં ભાજપનું બટન જ દબાતું હોવાની ફરિયાદ મતદારોએ કરી હતી. મતદારોની ફરિયાદના પગલે BLOએ બીજુ EVM લગાવ્યું પરંતુ બીજા EVMમાં પણ ક્ષતિ સર્જાતા ત્રીજુ EVM મૂકાયું હતું.
રાધનપુરના વોર્ડ નંબર સાતમાં EVM મશીન ખોટવાયું હતું. EVM મશીનમાં ક્ષતિ સર્જાતા બદલાયું હતું. વહેલી સવારથી જ મતદાન કેન્દ્ર પર મતદારોની કતારો લાગી હતી.
બે ઈવીએમમાં ક્ષતિ સર્જાઈ
સોનગઢ પાલિકામાં મતદાન પહેલા બે ઈવીએમમાં ક્ષતિ સર્જાઈ હતી. મોકપોલ સમયે જ બે EVM મશીન ખોટવાયા હતા. વોર્ડ નંબર 7 માં બે EVM મશીનમાં ક્ષતિ સર્જાતા બદલાયા હતા.
જેતપુર પાલિકાની ચૂંટણીમાં EVM ખોટવાયું
જેતપુર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં 5 અને 8માં EVM ખોટવાયું હતું. જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVMમાં ક્ષતિ સર્જાઈ હતી. EVMમાં ખામી સર્જાતા મતદાન કેન્દ્ર બહાર કતારો લાગી હતી. પ્રિસાઈડીંગ ઓફિસરની હાજરીમાં EVM મશીન બદલાયું હતું.
દાહોદના ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીમાં EVM ખોટવાયું હતું. બી એમ હાઈસ્કુલના 10 નંબર મતદાન મથકનું EVMમાં ખામી સર્જાતા બદલવામાં આવ્યું હતું. અડધો કલાક મતદાનની પ્રક્રિયા બંધ રહ્યા બાદ નવું EVM આવતા મતદાન પ્રક્રિયા પુનઃ શરૂ કરાઈ હતી.
ખેડા નગરપાલિકાની ચૂંટણીમાં EVM માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. EVM માં કેટલાક બટનો ન દબાતા હોવાની ફરિયાદ ઉઠી હતી. ચૂંટણી અધિકારીને રજૂઆત કરતા EVM બદલાયું હતું.