Gujarat local elections: ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી (મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત) ને લઈને એક મોટો અપડેટ સામે આવ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 'સ્પેશિયલ ઇન્સેટિવ રિવિઝન' (SIR) કાર્યક્રમની જાહેરાત કરવામાં આવતા, હાલની મતદાર યાદી 'ફ્રીઝ' કરી દેવામાં આવી છે. આ નિર્ણયને પગલે, ચૂંટણી હવે 2011ની જૂની મતદાર યાદીના આધારે જ યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ શુદ્ધિકરણ પ્રક્રિયાને કારણે ચૂંટણી તેના નિયત સમય ફેબ્રુઆરી મહિનાને બદલે 2 થી 3 મહિના પાછી ઠેલાઈને એપ્રિલ અથવા મે મહિનામાં યોજાઈ શકે છે. રાજ્ય સરકારની પણ ચૂંટણી મોડી કરાવવાની ઈચ્છા હોવાના અહેવાલ છે, જે મતદાર યાદી સુધારણા અને સીમાંકન સંબંધિત પ્રશ્નો ઊભા કરી શકે છે.
કેન્દ્રીય પંચના આદેશથી મતદાર યાદી 'ફ્રીઝ'
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓ વચ્ચે એક મહત્ત્વનો વળાંક આવ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે 'સ્પેશિયલ ઇન્સેટિવ રિવિઝન' (SIR) કાર્યક્રમ જાહેર કરતા રાજ્યમાં મતદાર યાદીમાં કોઈપણ પ્રકારના ફેરફારો પર તાત્કાલિક ધોરણે રોક (ફ્રીઝ) લગાવી દીધી છે. જોકે આ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી સત્તાવાર સૂચના જાહેર નથી કરાઈ, પરંતુ રાજ્ય ચૂંટણી આયોગે આંતરિક સ્તરે આ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આનો સીધો અર્થ એ છે કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ હવે 2011ની મતદાર યાદીના આધારે જ યોજાશે.
સામાન્ય રીતે, દરેક ચૂંટણી પહેલાં નવા મતદારોના નામ ઉમેરવા, સ્થળાંતર કે મૃત્યુના કારણે નામ દૂર કરવા અથવા સરનામામાં ફેરફાર કરવા માટે મતદાર યાદી સુધારણા હાથ ધરવામાં આવે છે. પરંતુ 'ફ્રીઝ'ની સ્થિતિને કારણે આ તમામ પ્રક્રિયા હાલ થંભી ગઈ છે.
ચૂંટણી મોકૂફીની શક્યતા અને ગંભીર પ્રશ્નો
રાજ્ય ચૂંટણી આયોગના સૂત્રોના જણાવ્યા મુજબ, આ મતદાર યાદી શુદ્ધિકરણ કાર્યક્રમને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2 થી 3 મહિના જેટલી પાછી ઠેલાઈ શકે છે. ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણી હવે એપ્રિલ અથવા મે મહિનામાં યોજાઈ શકે છે. એવા અહેવાલ છે કે રાજ્ય સરકાર પણ ચૂંટણી થોડી મોડી થાય તેવું ઈચ્છે છે.
જોકે, આ નિર્ણયને કારણે અનેક ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે.
યુવા મતદારોનો મતાધિકાર: સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, હાલના સમયમાં કોઈ નવા રજીસ્ટ્રેશન કે ફેરફાર સ્વીકારવામાં નહીં આવે. એટલે કે, 2011 પછી જે યુવા મતદારો પહેલીવાર મત આપવા પાત્ર બન્યા છે, તેઓ આ ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરી શકશે નહીં.
સીમાંકન અને નિષ્પક્ષતા: ચૂંટણી વિશ્લેષકોનું માનવું છે કે જૂની મતદાર યાદી આધારિત ચૂંટણીથી સીમાંકન (Delimitation) સંબંધિત પ્રશ્નો ઊભા થઈ શકે છે. ઘણા વિસ્તારોમાં લોકસંખ્યા અને મતદારોના પ્રમાણમાં મોટો ફેરફાર થયો છે. આ અસમાનતાને કારણે ચૂંટણીની નિષ્પક્ષતા પર પણ પ્રશ્નો ઊભા થવાની સંભાવના છે.
હાલમાં જે નવી મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા 'SIR' હેઠળ શરૂ છે, તે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાથ ધરાશે અને તે આ સ્થાનિક ચૂંટણી માટે લાગુ નહીં પડે.