અમદાવાદ: દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે મોડી રાતથી જ વરસાદે વલસાડ, વાપી, નવસારી અને સુરત જિલ્લામાં કેર વર્તાવતા સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. પારડીમાં એક જ રાતમાં 10 ઈંચ, વલસાડમાં 8, કપરાડા, ઉમરપાડા અને ઉમરગામમાં છ ઈંચ, નવસારીમાં ચાર સુરતના પલસાણામાં ગત રાત્રે ચાર અને દિવસ દરમિયાન વધુ ચાર ઈંચ તેમજ સુરતમાં શનિવારે સવારે બે કલાકના સમયમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 56 તાલુકાઓમાં એકથી 10 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

પાવીજેતપુરમાં ચાર કલાકમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. કોઝવે પર પાણી ફરી વળતાં ચાપરગોટાનો 6 કલાક વાહન વ્યવહાર બંધ રહ્યો હતો. ભરૂચમાં સવા ત્રણ, નેત્રંગ ત્રણ, અંકલેશ્વર-હાંસોટ બે, આમોદ, વાગરા અને વાલીયામાં એક ઈંચ વરસાદ થયો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

વડોદરામાં શનિવારે સતત બીજા દિવસે મેઘરાજાએ આક્રમક બેટિંગ કરતાં છ કલાકના સાડા ચાર ઈંચથી પણ વધુનો ધોરધાર વરસાદ ખાબક્યો હતો. તે સમયે લકડીપુલ ખાતે એક આધેડનું મોત નિપજ્યું હતું. જ્યારે કારેલીબાગમાં મકાનનો સ્લેબ ધરાશાયી થતાં ત્રણ જણાને ઈજા પહોંચી હતી.

વલસાડ પંથકમાં મોગરાવાડી, તિથલ રોડ, પરિયા પારડી રોડનો પાણી ભરાવાને કારણે લાંબા સમય સુધી સંપર્ક તૂટી ગયો હતો.વલસાડ રેલવે સ્ટેશન ઉપર પાણી ફરી વળ્યા હતા. શુક્રવારે રાતે ઉમરગામમાં 6 ઈંચ, કપરાડામાં 6 ઈંચ, પારડીમાં 7 ઈંચ, ધરમપુરમાં 4 ઈંચ, વલસાડમાં 6 અને વાપીમાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ધરમપુરમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. કપરાડામાં પણ નદી નાળામાં નીરની આવક થવાની સાથે પાંચ ગામનો સંપર્ક તૂટી ગયો હતો.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં શનિવારે આખો દિવસ તડકો જોવા મળ્યો હતો જ્યારે અસહ્ય ઉકળાટથી નાગરિકો કંટાળી ગયા હતાં. જ્યારે શહેરના પૂર્વ વિસ્તારોમાં 11થી 1ના સમયગાળામાં અડધો ઈંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો.