Gujarat Monsoon: રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેહુલિયો જાણી મનમૂકીને વરસી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગ તરફથી આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. પરંતુ આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે કેટલો પડ્યો વરસાદ
10 તાલુકાઓમાં 4થી 6 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે 16 તાલુકાઓમાં 2થી 4 ઈંચ અને 24 તાલુકાઓમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. તલોદ તાલુકામાં સૌથી વધુ છ ઈંચ વરસાદ ખાબક્યો છે.
- ઈડર તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ
- છેલ્લા 2 કલાકમાં ઈડરમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો
- લુણાવાડામાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો
- મહીસાગરના વીરપુરમાં પાંચ ઈંચ વરસાદ
- ધનસુરામાં ચાર ઈંચ વરસાદ
- વિસનગરમાં ચાર ઈંચ વરસાદ
- દાંતામાં ચાર ઈંચ વરસાદ
- પ્રાંતિજ, વીજાપુર, ખેરાલુમાં ચાર-ચાર ઈંચ વરસાદ
- મોડાસામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- વિસાવદરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- બાયડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- સંતરામપુર, હિંમતનગરમાં 3-3 ઈંચ વરસાદ
- ઊંઝામાં પોણા 3 ઈંચ વરસાદ
- શહેરા, ઉમરપાડામાં અઢી-અઢી ઈંચ
- સંજેલીમાં સવા બે ઈંચ વરસાદ
- ડોલવણ, માણસામાં સવા બે ઈંચ વરસાદ
- વઘઈમાં બે ઈંચ વરસાદ
- મહીસાગરના ખાનપુર, કડાણા, બાલાસિનોરમાં પોણા બે ઈંચ વરસાદ
- ખેડબ્રહ્મામાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો
- મહીસાગર, માલપુરમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો
- સતલાસણામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો
- મેઘરજ, કોડીનાર, ઉનામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ
- સરસ્વતી, ચીખલી, જલાલપોરમાં સવા ઈંચ વરસાદ
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી ગામે ભારે વરસાદને પગલે ખેડૂતોના પાકમાં નુકસાન થયું છે. કપાસ મગફળી સહિતના પાકમાં સતત વરસાદના કારણે નુકસાન થયું છે. ભાદરકાઠાના ખેતરોમાં એકથી દોઢ ફૂટ સુધી ખેતરોમાં પાણી ભરેલા જોવા મળ્યા છે. ખેડૂતોએ કહ્યું કે, મગફળી અને કપાસના ભાગમાં 24 કલાક પાણી ભર્યું રહે એટલે પાક નિષ્ફળ જાય છે. મગફળીમાં સતત પાણી રહેવાના કારણે મૂળિયા સળી જાય છે. ખેડૂતોએ કહ્યું કે, કઠોળ ના પાકમાં પણ નુકશાન થયું છે. ખેતરોમાં અઢીથી ત્રણ ફૂટ સુધી પાણી ભરેલા જોવા મળ્યા છે.
51 રસ્તા છે બંધ
રાજ્યમાં ભારે ભારે વરસાદને લઈ 51 રસ્તા બંધ છે. જેમાં પંચાયત હસ્તકના 34 રસ્તાઓ બંધ છે. જૂનાગઢમાં સૌથી વધુ 10 રસ્તાઓ બંધ છે. રાજકોટમા બે હાઈવે બંધ છે અને કચ્છમાં એક નેશનલ હાઈવે બંધ છે.
Join Our Official Telegram Channel: