- ચોમાસાનો શુભારંભ: હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આગામી 24 કલાકમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ શકે છે, જે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે.
- સક્રિય સિસ્ટમ: પશ્ચિમ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ બંગાળની ખાડીમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ચોમાસાને વેગ મળી રહ્યો છે.
- આજની આગાહી (15 જૂન): અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ); રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ (યલો એલર્ટ).
- આવતીકાલની આગાહી (16 જૂન): અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ); અન્ય 11 જિલ્લાઓમાં ભારે વરસાદ.
- 17 જૂનની આગાહી: ભાવનગરમાં અતિભારે વરસાદની શક્યતા; કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના.
Gujarat monsoon 2025: ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો અને સામાન્ય જનતા માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ શકે છે. આ સાથે જ, આગામી દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, પશ્ચિમ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જ્યારે બંગાળની ખાડીમાં પણ બે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યા છે. આ સિસ્ટમ્સના કારણે ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ વાતાવરણ મળી રહ્યું છે, જેના પરિણામે ગુજરાતમાં ચોમાસું પ્રવેશી શકે છે.
આજની આગાહી (રવિવાર, 15 જૂન)
આજે રવિવારે, 15 જૂનના રોજ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, જેના માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.
આવતીકાલની આગાહી (સોમવાર, 16 જૂન)
સોમવારે, 16 જૂનના રોજ પણ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ સિવાય મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે.
17 જૂનની આગાહી
17 જૂનના રોજ ભાવનગરમાં જ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
આ આગાહીઓને પગલે, રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જોકે, તંત્ર દ્વારા પણ વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી તૈયારીઓ કરી દેવામાં આવી છે અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.