રાજકોટઃ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ફચે રી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે. આગામી 24 કલાક ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેમજ એનડીઆરએફની ટીમોને એલર્ટ રહેવા સૂચના પણ આપી દેવામાં આવી છે.



હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે , આગામી 24 કલાકમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. કોસ્ટલ એરિયામાં કાલ સવાર સુધી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. કાલે 90ની ગતિના પવન ફૂંકાશે. માછીમારોને હાલ તાકીદ કરાઈ છે, 4 દિવસ માટે દરિયો ના ખેડવા સૂચન છે. દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે.


ભરૂચ, આણંદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે.  નોર્થ ગુજરાતમાં સામાન્ય વરસાદ, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.  સાયકલોન કાલે બનશે.  અમદાવાદમાં સીટી વિસ્તારમાં સામાન્ય વરસાદ પણ સાણંદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે.  આજે અને કાલે અસર રહેશે, પરમ દિવસ બાદ અસર ઘટી જશે.  40ની ગતિના પવનો અમદાવાદમાં પણ ફૂંકાશે, પણ અમદાવાદમાં કોઈ ખતરો નથી. કોસ્ટલ એરિયામાં કાલે ભારે પવન ફૂંકાશે, ત્યારબાદ અરેબિયન સીમા અસર જોવા મળશે. હાલ ગુજરાતમાં 3 ટકા વરસાદની ઘટ છે. કચ્છ સૌરાષ્ટ્રમાં 13 ટકા વધુ વરસાદ છે. ગુજરાત રિજીયનમાં 14 ટકા વરસાદની ઘટ યથાવત છે.  જો સાયકલોન બનશે તો નામ સાહિન રહેશે.


શહેરમાં ભારે પવન સાથે ફરી વરસાદ શરૂ થયો છે. શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ફરી વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. શહેરના અનેક રાજમાર્ગો પર પાણી ભરાયા છે. રાજકોટના યાજ્ઞિક રોડ, જાગનાથ વિસ્તાર, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ,150 ફૂટ રીંગ રોડ, રેલનગર, ગોંડલ રોડ ,ઢેબર રોડ,સાધુવાસવાણી, રોડ,યુનિવર્સિટી વિસ્તાર, મહુડી નાનામોવા વિસ્તાર મોટા મોવા વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. 


વીરપુરમાં ફરી વરસાદ શરૂ થયો છે. વીરપુર ગોંડલ હાઇવે પર વરસાદ વરસી રહ્યો છે. ગઇ કાલે રાતે પણ વીરપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદની આગાહીને પગલે પોરબંદર બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયુ છે. સોરાષ્ટ્રમાં ભારે પવન અને વરસાદની આગાહીના પગલે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદર પોર્ટ પર સિગ્નલ લગાવી માછીમારોને નજીકના બંદર પર પહોંચી જવા સૂચિત કરવામાં આવ્યા છે. માછીમારોને સમુદ્રમાં નહીં જવા ભય સૂચક સિગ્નલ લગાવેલ છે.


ભારે વરસાદના પગલે વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ ચડાવાયું છે. માછીમારોને દરિયો ના ખેડવા સાવચેત કરાયા છે. જામનગર જીલ્લાના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ના ખેડવાની સુચના આપવામાં આવી છે. આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી છે. જુના અને નવા બંદરો પર સિગ્નલ લાગ્યા છે. 


અમરેલીમાં રાજુલા ધાતરવડી ડેમ 2 ના 12 દરવાજા ખોલતા નદીમાં પુર આવ્યું છે. હિંડોરણાની ધાતરવડી નદીમાં પુર આવ્યું છે. નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થયો છે.  રાજુલા તાલુકાના સમઢીયાળા 1નો બંધારો ઓવરફ્લો થયો છે. પાણી પટવા સુધી આવી જતા સ્ટેટ હાઇવે બંધ થયો છે. મોટા વાહનોને ભારે હાલાકી છે. રાજુલાના દરિયા કાંઠે આવેલા ખેરા પટવા ચાંચબંદર નો સ્ટેટ હાઇવે પાણી ભરાય જતા બંધ છે. બંધારો પાણીથી ભરપૂર ભરાયો છે. પાણી વધતા ગામમાં ઘુસતા સ્થાનિકોને મુશ્કેલી છે. 


અમરેલીમાં જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યું હતં. ટીંબી ગામની રૂપેણ નદીમાં ઘોડાપુર આવ્યું. નદીના પાણી પુલ પરથી ફરી વળ્યાં હતા.