Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ,સુરત,નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તાપી,ડાંગમાં આજના દિવસે ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર,ભાવનગર,અમરેલી,કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ  પડશે. આગામી 1 જૂલાઇથી ભારે વરસા ની આગાહી છે. રથયાત્રામાં 1 જૂલાઇએ અનેક શહેરોમાં અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.


Monsoon Round Up


શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક


ભાવનગર જિલ્લાના જીવા દોરી સમાન એવા શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે. શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે બે હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. અમરેલી અને ગીર પંથકમાં સારા વરસાદથી ભાવનગર વાસીઓને પીવાના પાણીમાં થશે ફાયદો તો ખેડૂતોને પણ સિંચાઈ માટેનો લાભ મળશે. શેત્રુંજી ડેમમાં પાણીની આવકને પગલે ભાવનગર વાસીઓમાં હર્ષની હેલી જોવા મળી.


સાવલી તાલુકામાં વરસાદની એન્ટ્રીથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર


વડોદરાના સાવલી તાલુકામાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. સાવલી તાલુકામાં વરસાદની એન્ટ્રી થતાં નગરજનોએ અસહ્ય પડતી ગરમીથી હાશકારો અનુભવ્યો છે. સાવલી તાલુકામાં વરસાદની એન્ટ્રી થતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે.


દાહોદના ધાનપુર તાલુકાની ડુંમકા ગામની વેડવા નદીમાં નવા નીરની આવક થઈ છે. ગઈકાલે પડેલા વરસાદથી ડુમકા ગામની વેડવા નદીમાંથી કોઝવે પર પાણી વહેતુ થયું હતું.

યાત્રાધામ દ્વારકામાં સૂર્યનારાયણના દર્શન બન્યાં દુર્લભ


યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા મીઠાપુર સહિતના પંથકમાં રાત્રિના મેઘાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી હતી. ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.રાણપર સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. બેટ દ્વારકામાં રાત્રિથી જ વીજળી ગુલ થતાં લોકો પરેશાન થઈ ગયા હતા. અહીં સવારથી સૂર્ય નારાયણના દર્શન દુલર્ભ બન્યા છે.