અમદાવાદઃ આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અંતિમ દિવસ છે. શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં ગુજરાતમાં હજુ સુધીનું ચોમાસું સાધારણ રહ્યું છે અને ૧૬.૪૬ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર ૪૯.૭૮% વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૨ જિલ્લામાં વરસાદની ૫૦%થી વધુ ઘટ છે જ્યારે પાંચ તાલુકામાં હજુ સુધી કુલ પાંચ ઈંચ વરસાદ પણ  પડયો નથી. જોકે, રાહતની વાત એ છે કે હવામાન વિભાગે આગામી ૭ સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે. આગામી ૭થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.


રાજ્યના આ 5 તાલુકામાં નથી પડ્યો પાંચ વરસાદ


ગુજરાતના જે જિલ્લામાં હજુ વરસાદની ૫૦%થી વધુ ઘટ છે તેમાં અમદાવાદ-અરવલ્લી-બનાસકાંઠા-દાહોદ-ગાંધીનગર-ખેડા-મહીસાગર-પંચમહાલ-સાબરકાંઠા-તાપી-વડોદરાનો સમાવેશ થાય છે. જેમાં ૬૩% સાથે ગાંધીનગર જિલ્લો સૌથી વધુ ઘટ ધરાવે છે. સમગ્ર ગુજરાતમાં હજુ વરસાદની ૪૧% ઘટ છે. રાજ્યમાં વાવ-થરાદ-સાંતલપુર-લાખાણી અને લખપત એમ પાંચ તાલુકામાં કુલ પાંચ ઈંચ પણ વરસાદ નોંધાયો નથી. જેમાં બનાસકાંઠાના વાવમાં સૌથી ઓછો ૩.૦૩ ઈંચ, થરાદમાં ૩.૦૭ ઈંચ વરસાદ નોંધાયો છે.


દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ


દક્ષિણ ગુજરાતમાં ૩૨.૬૨ ઈંચ સાથે મોસમનો સૌથી વધુ ૫૬.૬૯% જ્યારે ૮.૬૨ ઈંચ સાથે કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ અત્યંત સાધારણ છે. ગત વર્ષે ૫ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં ૩૯.૭૧ ઈંચ સાથે મોસમનો ૧૨૧.૩૯% વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. ગત વર્ષે ૯.૮૪ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો ન હોય તેવા એક પણ જિલ્લા નહોતા. જેની સરખામણીએ આ વખતે ૬૯ એવા તાલુકા છે જ્યાં ૯.૮૪ ઈંચથી ઓછો વરસાદ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જૂનમાં ૪.૭૩ ઈંચ, જુલાઇમાં ૬.૯૫ ઈંચ, ઓગસ્ટમાં ૨.૫૭ ઈંચ, સપ્ટેમ્બરમાં હજુ સુધી ૨.૧૪ ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.


ફરી જામી શકે છે ચોમાસું


રાહતની વાત એ છે કે ગુજરાતમાં આગામી ૭ સપ્ટેમ્બરથી ચોમાસું ફરી જામી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૭ સપ્ટેમ્બરે  વલસાડ, દમણ, દાદરા નગર હવેલી-૮ સપ્ટેમ્બરે સુરત, નવસારી, વલસાડ, નર્મદા, ભરૃચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, બોટાદમાં જ્યારે ૯ સપ્ટેમ્બરે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે.


કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી?



  • ૭ સપ્ટેમ્બર : વલસાડ, દમણ, દાદરા નગર હવેલી.

  • ૮ સપ્ટેમ્બર : સુરત, નવસારી, વલસાડ, નર્મદા, ભરૃચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, બોટાદ.

  • ૯ સપ્ટેમ્બર : સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ.

  • ૧૦ સપ્ટેમ્બરઃ: ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નર્મદા, સુરત, તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ.


પોર્ન સાઇટ શોધી રહ્યું છે તાલિબાન, બનાવી રહ્યું છે સેક્સ વર્કર્સનું લિસ્ટ