Gujarat Monsoon Update: રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસશે. જ્યારે પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


અમરેલી શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. સવારથી જ વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. પાંચ દિવસથી વરસાદે વિરામ લીધો હતો. શહેરના જુદા જુદા વિસ્તારમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. શહેરના રાજકમલ ચોક, હરીરોડ મેન બજાર વિસ્તાર, ચિતલ રોડ, લાઠી રોડ, એસટી ડિવિઝન સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.


હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપીના વ્યારા શહેરમાં વરસાદ પડ્યો છે. વ્યારા શહેરના સ્ટેશન રોડ, કોલેજ રોડ , બજાર વિસ્તાર સહિત ના વિસ્તારોમાં વરસાદ છે. હવામાન વિભાગની આગાહીના પગલે દિયોદર બાદ કાંકરેજ પંથકમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. કાંકરેજના શિહોરી,માનપુર,કુવારવા,ચેખલા,ખેમાંણા સહિતના વિસ્તારમાં ધીમે ધારે વરસાદ છે. વરસાદની શરૂઆત થતા ધરતીપુત્રો ખુશ થઈ ગયા છે. હવામાન વિભાગે બે દિવસ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. વરસાદથી જિલ્લામાં વાવણી કરેલા પાકને જીવત દાન મળશે.





રાજકોટના ગોંડલ નેશનલ હાઇવે પર વરસાદ પડ્યો છે. બિલિયાળા, ભુણાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોના સીમ વિસ્તારમાં વરસાદ છે. જુનાગઢ પંથકમાં વરસાદી માહોલ છે, અહીં ધીમી ધારે પડી રહ્યો છે વરસાદ. દિવાન ચોક, આઝાદ ચોક, ગાંધી ચોક,સરદારબાગ સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ છે તો ગ્રામ્ય પંથકમાં પણ ધીમી ધારે વરસાદ છે.

નવસારી જિલ્લામાં એક અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. નવસારીના ગણદેવી,બીલીમોરા સહિત વિસ્તારમાં વરસાદ છે. હવામાન વિભાગની આગાહીની પગલે યાત્રાધામ બેટ દ્વારાકા જતી ફેરી સર્વિસ આજથી ત્રણ દિવસ માટે બંધ રાખવાનો ગુજરાત મેરી ટાઈમ બોર્ડે નિર્ણય કર્યો છે. ઓખા પંથકમાં વરસાદી વાતાવરણ સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે.


અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે અને આવતીકાલે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાય મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છ પંથકમાં પણ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે.




હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, નવસારી, વલસાડ, સુરેંદ્રનગર, મોરબી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


ઉપરાંત આવતીકાલે રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ વરસી શકે છે. સોમવારે બનાસકાંઠા, પાટણ, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે.