Gujarat Weather: રાજ્યમાં ચોમાસાના વિધિવત આગમન પહેલા વરસાદ શરૂ થયો છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લાના 39 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સવારના બે કલાકમાં 26 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 3 તાલુકામાં બેથી ચાર ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે દાહોદમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.  વડોદરાના વાઘોડીયા પંથકમાં વહેલી સવારે જ ગાજવીજ સાથે વરસાદ થયો હતો. ઉપરાંત ડભોઈના ઝારોલા, વાગા, શિનોર ચાર રસ્તા, એસટી ડોપો, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.


છેલ્લા 24 કલાકમાં દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. દેવગઢ બારીયામાં 4 ઈંચ વરસાદ,  ધાનપુરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. મોડી રાતથી દાહોદ શહેરમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જેસાવાડાના બાવકામાં ડીપ નાના પર પાણી ફરી વળ્યા છે. બાવકાથી માતવાને જોડતા રસ્તા પર પાણી ભરાયા છે.





  • પંચમહાલના જાંબુઘોડામાં છેલ્લા 24 કલાકમાં અઢી ઈંચ વરસાદ

  • છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં દોઢ ઈંચ વરસાદ

  • દાહોદના ધાનપુરમાં દોઢ ઈંચ વરસાદ

  • બોડેલી, ડભોઈમાં એક એક ઈંચ વરસાદ

  • ઘોઘંબા, કરજણ, વલસાડમાં અડધાથી પોણો ઈંચ વરસાદ

  • લીમખેડા, ગરબાડા, વાપી, વડોદરામાં અડધો અડધો ઈંચ વરસાદ


ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના વિધિવત્ આગમનની રાહ જોવાઇ રહી છે ત્યારે આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થાય તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં 28 જૂનના ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે અમદાવાદ-અરવલ્લી-બનાસકાંઠા-દાહોદ-મહીસાગર-મહેસાણા-પંચમહાલ-પાટણ-સાબરકાંઠા-છોટા ઉદેપુર-ડાંગ-નર્મદા-નવસારી-તાપી-વલસાડ, રવિવારે દમણ-દાદરા નગર હવેલી-દાહોદ-મહીસાગર-ગીર સોમનાથ-જુનાગઢ-પોરબંદર-દીવમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. સ્કાયમેટના અનુમાન અનુસાર ગુજરાતમાં 27 કે 27 ના નૈઋત્યના ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થઇ શકે છે. ચોમાસાના  પ્રારંભ સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.




અંબાલાલ પટેલે શું કરી છે આગાહી


જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલના પટેલના અનુમાન મુજબ જૂન મહિનાના છેલ્લા ત્રણ દિવસમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થઇ શકે છે. આ સાથે જ મહેસાણા, વડોદરા, અમદાવાદ અને ગોધરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ તેવા વરસાદની આગાહી પણ કરી છે. બીજી તરફ રાજ્યમાં પાંચ દિવસ છુટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, તાપી અને ડાંગમાં પણ છુટછવાયો વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ  હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.




Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial