Gujarat Monsoon: હાલ નવરાત્રી ચાલી રહી છે અને આજે ત્રીજું નોરતું છે. આજે હવામાન વિભાગે વરસાદને લઈ કરેલી આગાહીના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાની ચિંતામાં વધારો થયો છે.


હવામાન વિભાગના ડાયરેકટર ડો.મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, આગામી ત્રણ દિવસ વરસાદ રહેશે. સામાન્ય અને છુટોછવાયો વરસાદ પડશે. ભારે વરસાદની કોઈ આગાહી નથી, સૌરાષ્ટ્રમાં છુટોછવાયો સામાન્ય વરસાદ પડશે. ત્રણ દિવસ બાદ વરસાદની કોઈ આગાહી નથી. ત્રણ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં કોઈ આગાહી નથી, જોકે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.


કચ્છથી ચોમાસાની વિદાય શરૂ થઈ છે. જોકે સંપૂર્ણ વિદાયમાં સમય લાગશે. સિસ્ટમ બનતી હોવાથી વરસાદી માહોલ યથાવત રહેશે. 34 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. અમદાવાદમા ક્યાંક છુટોછવાયો વરસાદ પડી શકે છે, સિઝનનો અત્યાર સુધીમાં 29 ટકા વધુ વરસાદ નોંધાયો છે.


હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે. શહેરના અઠવા, પારલે પોઇન્ટ,પીપલોદ, ઉમરા,વેસુ VIP રોડ,પાલ અડાજણ સહિતના વિસ્તારમાં વરસાદ છે. આ ઉપરાંત સુરતના કામરેજ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. નવરાત્રીમાં વરસાદને લઈ ખેલૈયાઓ ચિંતિત બન્યા છે.


સંસ્કારી નગરી વડોદરામાં નવલી નવરાત્રી દરમિયાન વરસાદી વિઘ્ન  આવ્યું છે. વાઘોડિયા રોડ,આજવા રોડ, ડભોઇ રોડ વિસ્તારમાં વરસાદી માહોલ છે. વડોદરામાં વરસાદ થતાં ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા છે. શહેર અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.


રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદનું જોરદાર ઝાપટું પડતાં ખેલૈયાઓ, ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 હજાર 615 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.12 ટકા થયો છે. 4972 દર્દી સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 40 હજાર 797 થઈ છે. કુલ 4 કરોડ 40 લાખ 9 હજાર 525 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 584 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 217 કરોડ 96 લાખ 31 હજાર 500 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 13 લાખ 87 હજાર 533 ડોઝ અપાયા હતા.