જૂનાગઢઃ હાલ ગુજરાતમાં વરસાદી માહાલ જામ્યો છે ત્યારે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જેની વચ્ચે હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે દક્ષિણ પાકિસ્તાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

આ દરમિયાન જૂનાગઢ જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાના 6 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 140 ટકા માણાવદરમાં નોંધાયો છે. સતત પડી રહેલા વરસાદના કારણે હાલ મોલાતને વરાપની જરૂર છે. જો થોડા દિવસો સુધી વરસાદ ચાલુ રહેશે તો મોલાતને નુકસાન થઈ શકે છે.



હવામાન વિભાગ દ્વારા 18 ઓગસ્ટે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 19 ઓગસ્ટે કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અન્ય જિલ્લામાં પણ વરસાદ રહેશે. જોકે આગામી 5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.