Amreli Rain: ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. રાજ્યમાં લગભગ તમામ જગ્યાએ વરસાદ છે. આ દરમિયાન અમરેલી જીલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. જીલ્લાનાં મોટાભાગના વિસ્તારોમાં ઓછા વત્તા પ્રમાણમાં વરસાદ છે. અમરેલી શહેર, સાવરકુંડલા, રાજુલા, ખાંભા, જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે. સાવરકુંડલાના નાના ભમોદ્રા, ચરખડીયા, બોરાળા, ખડકાળા સહિતના વિસ્તારોમાં વરસાદ છે.


વડીયા શહેર તેમજ ગ્રામયમાં મુશળધાર વરસાદ છે.  વડીયામાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વડીયાના ઉપરવાસના ગામોમાં મુશળધાર વરસાદથી સુરવો-૧ ડેમમાં નવા નિરની આવક થઈ છે. તળિયા જાટક સુરવો-૧ડેમમાં 4 ફૂટ નવાનીરની આવક થતાં ખેડૂતો ખુશખુશાલ  થઈ ગયા છે. 


બગસરા શહેર અને પંથકમાં વરસાદી માહોલ છે. બગસરા અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. મોટાં મુંજીયાસર, નાના મુંજીયાસર, રફળા, સાપર, સુડાવડ સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ છે. બગસરામાં વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લહેર છે.




રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે અનેક રસ્તાઓ પરથી પાણી વહી રહ્યા છે. વરસાદને લઈ રાજ્યના 30 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. રાજ્યમાં વરસાદની સૌથી વધુ અસર સુરત જિલ્લામાં જોવા મળી હતી. અહી વરસાદને પગલે 9 રસ્તાઓ બંધ કરાયા હતા. તે સિવાય રાજ્યમાં વરસાદના કારણે બે સ્ટેટ હાઇવે પર વાહનવ્યહાર પ્રભાવિત થયો હતો.


મળતી જાણકારી અનુસાર, વરસાદથી રાજ્યમાં 30 રસ્તાઓ બંધ કરાયા હતા. પંચાયત હસ્તકના 26 રસ્ચાઓ પણ બંધ કરાયા હતા. સૌથી વધુ સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના 9 રસ્તા બંધ થયા હતા. જામનગર જિલ્લામાં પંચાયત હસ્તકના છ રસ્તાઓ, દ્વારકા જિલ્લામાં પંચાયત હસ્તકના ચાર રસ્તા, જૂનાગઢ જિલ્લામાં 2 સ્ટેટ હાઈવે, રાજકોટ જિલ્લામાં 3, પોરબંદર જિલ્લામાં 2 રસ્તા, છોટાઉદેપુર, ભાવનગર, અમરેલીમાં 1-1 રસ્તા બંધ કરાયા હતા.


ધોધમાર વરસાદથી સુરતમાં પણ રસ્તા ધોવાઇ ગયા હતા. શહેરના રસ્તાઓ, ગરનાળાઓ ધોવાયા હતા. માંડવીના ઉશ્કેરથી મુઝલાવ બોધાન જતો માર્ગ પર પાણી ફરી વળતા બંધ કરાયો હતો. રવિવારે માંડવી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.  


વરસાદથી સૌરાષ્ટ્રમાં વીજ પૂરવઠાને અસર થઇ હતી. કચ્છ-સૌરાષ્ટ્રના ગ્રામ્ય,શહેરી વિસ્તારના 251 વીજ ફીડરો બંધ થયા હતા જ્યારે 91 વીજ પોલ ધરાશાયી થયા હતા. ભારે વરસાદથી 10 જેટલા વીજ ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદથી 38 ગામડાઓમાં અંધારપટ્ટ છવાયો હતો. સૌથી વધુ પોરબંદર, ભૂજ જિલ્લામાં વીજ પૂરવઠાને અસર થઇ છે. PGVCLની અલગ અલગ ટીમોએ કામગીરી શરૂ કરી હતી.