Morbi Cable Bridge Collapses Live: મોરબી સિવિલમાં મૃત્યુઆંક 80 પર પહોચ્યો, મોતનો આંકડો વધી શકે છે
Morbi Cable Bridge Collapses: મોરબીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અરેરાટી મચી ગઈ છે. સ્થાનિક ભાજપ નેતાએ જણાવ્યું કે, 60 લોકોના મોત થયા હોવાનો અંદાજ છે.
પોલેન્ડના વિદેશ મંત્રીએ મોરબી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
મોરબી ઝુલતા પુલની દુર્ઘટના સંદર્ભે બચાવ રાહત કાર્ય માટે ભુજ અને જામનગરના ૬૦ તથા નેવીના ૫૦ જવાનો, ૩૩ એમ્બ્યુલન્સ, ૭ ફાયર એન્જિન તથા રાજકોટ મેડિકલ કોલેજ અને જિલ્લા ગ્રામ્ય વિસ્તારના ૩૦ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ રવાના થયો છે. આજરોજ સર્જાયેલી મોરબી ઝુલતા પુલની દુર્ઘટના સંદર્ભે ઘાયલ થયેલા નાગરિકોની બચાવ- રાહત કામગીરીના હેતુસર ગરુડ સ્પેશિયલ ફોર્સ યુનિટ, જામનગરના કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ચંદ્રશેખર તથા ભુજના ગરુડ સ્પેશિયલ ફોર્સ યુનિટના કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ભાવેશ દુબે કુલ ૬૦ જવાનોના સ્ટાફ સાથે રાજકોટ ખાતે ઘાયલોની મદદ કરવા ઘટના સ્થળે જવા રવાના થઈ ચૂક્યા છે.
જામનગર નેવીના કેપ્ટન શ્રીકાંત ૫૦ માણસો અને બચાવ સાધનો સાથે મોરબી જવા રવાના થઈ ચૂક્યા છે. તદુપરાંત, રાજકોટ મેડિકલ કોલેજ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારના 30થી વધુ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ કોઈપણ પ્રકારની તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સેવા આપવા પહોંચી ગયા છે. ૩૩ એમ્બ્યુલન્સ, ૭ ફાયર એન્જિન ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક યુદ્ધના ધોરણે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે, તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.
મોરબી દુર્ઘટનાના પગલે આવતીકાલે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. 31ના બદલે હવે 1લી તારીખથી પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ થશે. અશોક ગેહલોત અને દિગવિજય સિંહ સહિતના નેતા કાલે મોરબી જશે.
સીએમ ભુપેન્દ્ર પટેલ મોરબી પહોંચ્યા છે અને ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. તેમની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મોરબી સસ્પેન્શન બ્રિજની ઘટનાની તપાસ માટે 5 સભ્યોની સમિતિની રચના કરી છે.
1. સંદીપ વસાવા (સેક્રેટરી આર એન્ડ બી)
2. રાજકુમાર બેનીવાલ, IAS
3. સુભાષ ત્રિવેદી, IPS
4. કે એમ પટેલ (મુખ્ય ઈજનેર)
5. ડૉ. ગોપાલ ટાંક
મોરબી પુલ દુર્ઘટનામાં મોતનો આંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 77 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે.
અમદાવાદ ફાયર અને ઈમરજન્સી વિભાગ દ્વારા મોરબી શહેરના મચ્છુ નદી પર ઝૂલતા પુલની થયેલ દુર્ઘટના માટે ૧ સ્ટેશન ઓફિસર, ૧. સબ ઓફિસર અને 24 ફાયરમેન સ્ટાફ સાથે બચાવ કામગીરી માટે 3 રેસ્ક્યુ બોટ સહિતનો સ્ટાફ મોરબી જવા રવાના થયો છે. મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે. આ હેતુસર એન.ડી.આર.એફની 3 પ્લાટુન, ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો, આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગરથી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે. એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી. ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે.
પીએમ મોદી હાલમાં કેવડિયા ખાતે હાજર છે. તો બીજી તરફ મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી અહીંથી સીધા મોરબી જઈ શકે છે. હાલમાં મોરબી દુર્ઘટનાને પહોંચી વળવા એમ્બ્યુલન્સની વ્યવસ્થા વધારવામાં આવી છે. 108ની 25 એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર મૂકવામાં આવી છે.
મોરબી કેબલ બ્રીજ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 60 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં મોરબી સિવીલ હોસ્પિટલમાં 60 લોકોના મૃતદેહ પહોંચ્યા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન શરુ છે.
ભાજપ દ્વારા 1 નવેમ્બરે આયોજીત સ્નેહમિલનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. મોરબીમાં થયેલી બ્રીજ દૂર્ઘટના બાદ ભાજપે કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે.
મોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થવાથી અત્યાર સુધીમાં 32ના મોત થયાનો સ્થાનિક સિવિલ હોસ્પિટલના અધિકારીને ટાંકીને પીટીઆઈએ દાવો કર્યો છે.
મોરબીમાં થયેલી દુર્ઘટનાને લઇ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. ભાજપના રાજમાં કેટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે એ પુલ તુટવાનું ઉદાહરણ છે. પાંચ દિવસમાં કરોડો રૂપિયાના ખર્ચે રીનોવેશન કરીને ખુલ્લો મુકવામાં આવેલો પુલ કઈ રીતે તૂટી શકે તે સવાલ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો.
આજે મોરબીમાં પુલ તૂટવાની બહુ દુઃખદ ઘટના બની એના પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ દુ:ખ વ્યક્ત કર્યું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે.
સીએમ ભુપેન્દ્ર પટેલ મોરબી જવા રવાના થયા છે. આ પહેલા સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટમાં જણાવ્યું હતું કે, મોરબીની દુર્ઘટનાને પગલે માનનીય પ્રધાનમંત્રી સાથેના આગળના કાર્યક્રમોને ટૂંકાવીને ગાંધીનગર પહોંચી રહ્યો છું. ગૃહ રાજ્યમંત્રીને સ્થળ પર પહોંચી બચાવ કામગીરીનું માર્ગદર્શન કરવા જણાવ્યું છે. SDRF સહિતની ટૂકડીઓને બચાવ કામગીરી માટે મોબીલાઈઝ કરવામાં આવી છે.
મોરબીની દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવો વોર્ડ ઉભો કરાયો છે.
મોરબીમાં કેબલ બ્રિજ ધરાશાયી થવાની ઘટના અંગે ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી છે. સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટમાં લખ્યું કે, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા નાગરિકોના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દરેક મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપશે.
મોરબીની મચ્છુ નદી પર ઝુલતો પુલ તૂટી પડવાની ઘટના સામે આવી છે. આ દૂર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. આ અંગે PMO તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. મોરબીમાં દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને રૂપિયા 50,000 આપવામાં આવશે.
બ્રેકગ્રાઉન્ડ
Morbi Cable Bridge Collapses: મોરબીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અરેરાટી મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે જ્યારે આ દૂર્ઘટના ઘટી ત્યારે 300 જેટલા લોકો આ પુર પર સવાર હતા. બ્રીજ તૂટ્યા બાદ સેંકડો લોકો નદીમાં ખાબક્યા છે. તમને જણાવી દઈએ કે,નવા વર્ષના દિવસે પુલ શરૂ થયો હતો. હાલમાં બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિક ભાજપ નેતા કાંતિ અમૃતિયાએ જણાવ્યું કે, આ અકસ્માતમાં 60 લોકોના મોત થયા હોવાનો અંદાજ છે.
દૂર્ઘટના અંગે વાત કરતા પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, જે સમયે આ દૂર્ઘટના ઘટી તે સમયે પુલ પર અનેક મહિલાઓ અને બાળકો પણ હતી. અંદાજીત 100 લોકો નદીમાં ખાબક્યા હોવાની આશંકા છે. હાલમાં એક બાદ એક એમ્બ્યૂલન્સ ઘટના સ્થળે પહોંચી રહી છે. હજૂ તો નવા વર્ષના દિવસે જ આ પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે વાયરો પર લટક્યા હતા.
સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું
મોરબીની આ દૂર્ઘટના પર સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.
પીએમ મોદીએ શું કહ્યું?
આ સમગ્ર ઘટના મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલાય તરફથી ટ્વીટ કરીને આપવામાં આવેલી જાણકારી મુજબ, પ્રધાનમંત્રી મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સંબંધીત અધિકારીઓ સાથે વાતચીત કરીને તમામ ટીમોને તાત્કાલીક રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે કહ્યું છે. મોરબીમાં થયેલી આ દુર્ઘટનાની સ્થિતિનું સતત નિરીક્ષણ કરવા માટે અને અસરગ્રસ્ત થયેલા લોકોને તમામ મદદ કરવા માટે પણ પીએમ મોદીએ સુચના આપી છે.
જગદીશ ઠાકોરે પણ ટ્વીટ કર્યુંઃ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ટ્વીટ કરીને મોરબી બ્રીજ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, મોરબીમાં ખુલ્લા મુકાયેલા ઝૂલતા પુલના તૂટી પડવાના સમાચાર સાંભળી આઘાત લાગ્યો. 400થી વધુ લોકો ઘટનાનો ભોગ બન્યા મોરબી અને આજુબાજુના વિસ્તારના સૌ કોંગ્રેસના કાર્યકર અને આગેવાનોને નમ્ર વિનંતી કે તેઓ જલ્દીથી રાહત કાર્યમાં જોડાય લોકોની મદદ કરે. ઘટનામાં મૃતકોના પરિવારો માટે મારી સંવેદનાઓ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -