અમદાવાદઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી છે. તેઓ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે. તેઓ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે.


કેટલા વાગે લેશે શપથ


ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્વીટ કરીને લખ્યું, રાજભવનમાં ભારતીય જનતા પાર્ટીના વિધાયક દળના નવનિયુક્ત નેતા ભુપેન્દ્રભાઈ પટેલે તેમના નેતૃત્વમાં નવી સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. પ્રસ્તાવ સ્વીકારીને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ માટે તેમને 13 સપ્ટેમ્બરે બપોરે 2.20 કલાકે આમંત્રિત કરવામાં આવ્યા છે.




ભૂપેન્દ્ર પટેલનું નામ પરિવાર માટે પણ સરપ્રાઇઝ


ભૂપેન્દ્ર પટેલના પરિવારજનોએ કહ્યું, અમારા માટે દિવાળી છે. અમને આની કલ્પના પણ નહોતા, અમારા પરિવાર માટે સરપ્રાઇઝ  છે. તેમ તેમની પુત્રીએ જણાવ્યું હતું. સીએમ બન્યા બાદ પોતાના મત વિસ્તાર ઘાટલોડિયા પહોંચેલા ભૂપેન્દ્ર પટેલનું ઢોલ-નગારા વગાડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.




રાજ્યમાં પાંચ વર્ષ બાદ પાટીદાર પાવર


ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પાંચમાં પાટીદાર મુખ્યમંત્રી છે. આ પહેલા બાબુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને આનંદીબેન પટેલ રાજ્યની ધૂરા સંભાળી ચુક્યા છે. નારાજ પાટીદારોને મનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી-અમિત શાહે પાટીદાર કાર્ડ ખેલીને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને નિમણૂંક કર્યા છે. એટલે કે ગુજરાતમાં 5 વર્ષ બાદ ફરી પાટીદાર પાવર આવ્યો છે. 2012માં ગુજરાતમાં ભાજપમાં પાટીદાર ધારાસભ્યની સંખ્યા 36 હતી, જે 2017માં ઘટીને 28 થઈ હતી. જ્યારે 2012માં કોંગ્રેસમાંથી 14 પાટીદાર ધારાસભ્યો ચૂંટા હતા, જે સંખ્યા વધીને 2017માં 20 પર પહોંચી હતી. આમ ભાજપ સરકારમાં પાટીદારોની ઘટી રહેલી સંખ્યા અને વોટબેંકને સાચવવા ફરીથી કેન્દ્રીય મોવડી મંડળે પાટીદાર મુખ્યમંત્રી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.


કયા પાટીદાર મુખ્યમંત્રીએ કેટલા દિવસ કર્યું શાસન



  • ચિમનભાઈ પટેલ 1,652 દિવસ

  • બાબુભાઈ પટેલ 1,253 દિવસ

  • કેશુભાઈ પટેલ 1,533 દિવસ

  • આનંદીબેન પટેલ 808 દિવસ