Vijay Rupani Resignation LIVE Updates: ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી, જાણો ક્યાંના છે ધારાસભ્ય?
રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ પર આજે મહોર લાગશે. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી નામ પર ચર્ચા કરવામાં આવશે.
રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યા બાદ ભૂપેંદ્ર પટેલ અડાલજ સ્થિતિ દાદાભગવાનના મંદિર પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્વીટ કરીને લખ્યું, રાજભવનમાં ભારતીય જનતા પાર્ટીના વિધાયક દળના નવનિયુક્ત નેતા ભુપેન્દ્રભાઈ પટેલે તેમના નેતૃત્વમાં નવી સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. પ્રસ્તાવ સ્વીકારીને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ માટે તેમને 13 સપ્ટેમ્બરે બપોરે 2.20 કલાકે આમંત્રિત કરવામાં આવ્યા છે.
ભૂપેન્દ્ર પટેલના પરિવારજનોએ કહ્યું, અમારા માટે દિવાળી છે. અમને આની કલ્પના પણ નહોતા, અમારા પરિવાર માટે સરપ્રાઇઝ છે તેમ ભુપેન્દ્ર પટેલના પુત્રીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મળીને રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો. આવતીકાલે ભુપેન્દ્ર પટેલ રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. આવતીકાલે બપોરે 2.20 વાગ્યાની આસપાસ શપથવિધિ યોજવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટી વિધાયક દળના નેતા તરીકે નવ નિયુક્ત થયેલા ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ને મળીને રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો.
ગાંધીનગર ખાતે પ્રથમ પત્રકાર પરિષદને સંબોધતા ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડા, ગાંધીનગરના લોકસભાના સાંસદ અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે મારા પર વિશ્વાસ મૂક્યો છે તો હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા વડીલોએ સી.આર. પાટીલ અને વિજય રૂપાણીની ટીમે મારા પર વિશ્વાસ મૂક્યો છે તેથી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હર હંમેશા મારા પર આશીર્વાદ આનંદીબેનના રહ્યા છે અને રહેશે.
ગુજરાતની રાજનીતિને લઈ મોટો સમાચાર છે. ભૂપેંદ્ર પટેલ અને વરિષ્ઠ નેતાઓ રાજભવન પહોંચી ચૂક્યા છે. આવતીકાલનો મુખ્યમંત્રીનો શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાશે. ભૂપેંદ્ર પટેલ મુખ્યમંત્રી પદના આવતીકાલે શપથ લેશે.
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી છે. તેઓ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે. તેઓ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે
આવતીકાલે ભૂપેંદ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. નવા મુખ્યમંત્રી તરીકે નામ જાહેર થયા બાદ ભૂપેંદ્ર પટેલે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના નામનો પ્રસ્તાવ મુક્યો હતો.
ગુજરાતની ફોર્મ્યૂલા નક્કી થઈ ચૂકી છે. એક પાટીદાર, એક દલીત અને એક ઓબીસી ચહેરો હશે. એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે.
વિજયભાઈ રૂપાણીનું થોડીવારમાં સંબોધન શરૂ થશે અને તેમાં જ તેઓ નવાા મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ મૂકશે. હોલમાં ભાજપના ધારાસભ્યોએ પોતાનું નામ લઈ લીધું છે.
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને નીતિન પટેલનું નામ મોખરે છે. જોકે હજુ સુધી કોઈ સત્તવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ થોડી જ મિનિટોમાં રાજ્યના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થશે.
ધારાસભ્ય દળની બેઠક પહેલા કમલમમાં ભાજપના કોર ગ્રુપની બેઠક શરૂ થઇ છે. કેન્દ્રીય નિરીક્ષકો, સી.આર.પાટીલ, રાષ્ટ્રીય સંગઠન મંત્રી બેઠકમાં હાજર રહ્યા છે.
કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા, કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓ કમલમ પહોંચ્યા હતા. બપોરે ત્રણ વાગ્યે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.
ભાજપના તમામ ધારાસભ્યોને બપોરે ત્રણ વાગ્યે બેઠક માટે હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની રેસમાં નીતિન પટેલ સૌથી આગળ છે. ત્યારે ગાંધીનગરમાં નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. હાથમાં પોસ્ટર સાથે લોકોએ નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી માંગ કરી હતી
નીતિન પટેલે જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણીએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. નીરિક્ષકોએ ભાજપના વરિષ્ઠ નેતાઓના મંતવ્ય લીધા છે. તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના અપાઇ છે. આખુ ગુજરાત જેમને ઓળખતુ હોય તેવા જ મુખ્યમંત્રીની જરૂર છે
રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સુરક્ષા વધારી દેવામાં આવતાં નીતિન પટેલ જ મુખ્યમંત્રી બનશે એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.રાજ્યમાં પાટીદાર મુખ્યમંત્રી આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. પાટીદાર નેતાઓમાં નીતિન પટેલ સૌથી પ્રબળ દાવેદાર છે. આ માહોલમાં રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ પાટીદાર નેતા નીતિન પટેલનાં ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ઉત્તર પ્રદેશની ફોર્મ્યુલા અનુસાર ગુજરાતમાં એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. રાજ્યમાં પાટીદાર મુખ્યમંત્રી બને તેવી પ્રબળ સંભાવના છે. આદિવાસી નેતાને નાયબ મુખ્યમંત્રીનું પદ મળી શકે છે.
કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદના બોડકદેવમાં આવેલા જૈન દેરાસર પહોંચ્યા હતા. સમગ્ર પોલીસ કાફલા સાથે તેઓ દર્શન કરવા બોડકદેવ સ્થિત જૈન દેરાસર પહોંચ્યા હતા
પ્રદેશ ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સીઆર પાટીલના નિવાસસ્થાને હાજર છે. ઓબીસી મોરચાના અધ્યક્ષ ઉદય કાનગડ પણ પાટીલના નિવાસસ્થાને હાજર છે.
નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે. નરેન્દ્રસિહ તોમરે કહ્યું કે નવા નેતાના નામની ચર્ચા ધારાસભ્યો સાથે કરવાની હોય છે. તેઓએ કહ્યું કે ધારાસભ્યોને સાંભળ્યા બાદ નવા મુખ્યમંત્રી અંગે નિર્ણય કરાશે.
આજે બપોરે ત્રણ વાગ્યે ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાશે. ભાજપે પસંદ કરેલા નિરીક્ષકો નરેંદ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ખરાબ હવામાનના કારણે દિલ્હીથી રવાના થયા નથી. અમદાવાદની આસપાસના વિસ્તારો સિવાયના ધારાસભ્યો ગાંધીનગર પહોંચી ચૂક્યા છે.
બુકી બજારના મતે નવા મુખ્યમંત્રીની રેસમાં નીતિન પટેલ આગળ છે. નીતિન પટેલ ઉપરાંત મનસુખ માંડવિયા, ગોરધનભાઇ ઝડફિયા સહિત ચારથી પાંચ નામો અથવા કોઇ નવુ નામ આવે તેના પર 60 હજારથી પાંચ લાખ રૂપિયાનો સટ્ટાના ડબ્બા બુક થઇ રહ્યા છે.
એબીપી અસ્મિતાને મળેલી જાણકારી પ્રમાણે, ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, કેંદ્રીય મંત્રી પરષોતમ રૂપાલા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું નામ ચર્ચામાં છે. દીવ દમણના પ્રશાસક પ્રફુલ પટેલ, ગોરધન ઝડફિયાનું નામ પણ ચર્ચામાં છે.
ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને રાજકોટથી જ બૂકી બજારમાં શોખથી સટ્ટો શરૂ થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપતા નવા મુખ્યમંત્રી કોણ હશે. તેનો સટ્ટો રમવા અને રમાડવા માટે બુકીબજાર સક્રિય બની છે. મુખ્યમંત્રી પદ માટે ચાર- પાંચ નામો હાલ ચાલી રહ્યા છે અથવા તો કોઈ નવું નામ આવે તો તેના પર પાંચ લાખ રૂપિયાના સટ્ટાનો ડબ્બો બુક થઈ ગયો છે. બુકી બજારના સૂત્રોના મતે આગામી મુખ્યમંત્રી પટેલ હશે તે લગભગ નિશ્ચિત છે. કેંદ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપરાંત નીતિન પટેલ, ગોરધન ઝડફિયાના નામ સપાટી પર છે
બ્રેકગ્રાઉન્ડ
ગાંધીનગરઃ રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ પર આજે મહોર લાગશે. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી નામ પર ચર્ચા કરવામાં આવશે. તો રાજ્યના નવા મુખ્યમંત્રી માટે ભાજપે નરેંદ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે. આ બંને નેતાઓ અમદાવાદ પહોંચ્યા છે. નોંધનીય છે કે ગઇકાલે વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામા બાદ તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભારી છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -