Gujarat News: ડભોઇના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા પણ લગ્ન કાયદામાં સુધારાની માંગણી સાથે મેદાનમાં આવ્યા છે.  આ મુદ્દે શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને તેમાં રજૂઆત કરી હતી કે, SPG તરફથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારા કરવા જે માંગણી કરવામાં આવી છે તે યોગ્ય છે.


તેમણે કહ્યું હતું કે લગ્ન નોંધણી સમયે દીકરા અને દીકરીના માતા-પિતાની ઉપસ્થિતિ ફરજિયાત હોવી જોઈએ. વિવિધ ચાર મુદ્દાઓને લઇ ધારાસભ્યએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર લખ્યો હતો. લગ્ન નોંધણી કાયદામાં આ પહેલા પણ સુધારા કરવા ઇડરના ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા, કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, ધારાસભ્ય કુમાર કાનાણી માંગણી કરી ચૂક્યા છે. સાથે કૉંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ તેમની માંગણીને સમર્થન આપ્યું છે.


અગાઉ ગુજરાતમાં લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો કરવા ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.  ઇડર ધારાસભ્ય રમણલાલ વોરાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત બે મંત્રીઓને આ પત્ર લખ્યો છે.  રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને બાનુબેન બાબરીયાને પત્ર લખવામાં આવ્યો છે.  લગ્ન કરનાર દીકરી અને એના પરિવારજનો સાથે થતી છેતરપિંડી અટકાવવા માટે પત્ર લખવામાં આવ્યો છે.  આ પત્રમાં લગ્ન નોંધાણીમાં વાલીની સહી ફરજિયાત કરવા માટેની માંગણી કરવામાં આવી છે. ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો તેમાં જણાવ્યું છે કે ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006ના એક્ટમાં સુધારો કરવામાં આવે. 


આ પત્રમાં તેમણે વધુમાં લખ્યું કે, ઘણા સમયથી ખોટા લગ્ન નોંધણી અંગે ઘટનાઓ પ્રકાશિત થઈ રહી છે. લગ્ન નોંધણીએ લોકોના જીવન સાથે જોડાયેલી ઘટના છે. એમાં જ્યારે ગેરરીતી કે અન્યાય થતો હોય ત્યારે દિકરી અને પરિવારો સાથે થતી છેતરપીંડી અટકાવવા અને આવા પરિવારોને બચાવવા ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ - 2006 કાયદામાં કેટલાલ સંબંધિત સુધારાઓ લાવી આવા પરિવારોને ન્યાય અપાવવા માટે આપશ્રીને વિનંતી છે. આ અંગે નીચે મુજબના સુધારા કરવા જરુરી જણાય છે.