પોરબદરઃ નાયરોબીથી પોરબંદર આવેલા વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જીનોમ સિક્વસિંગ રિપોર્ટ ગાંધીનગર મોકલાયો છે. વૃદ્ધ હાલ સરકારી હોસ્પિટલમાં સારવારમાં છે. એક સપ્તાહ પહેલા નાયરોબીથી પોરબંદર આવ્યા હતા. ઓમીક્રોની આશંકાને પગલે તંત્ર સતર્ક બની ગયું છે.
કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ખતરો સમગ્ર દેશમાં છે. દેશમાં ઓમિક્રોનના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ ખતરનાક ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. વડોદરા શહેરમાં ઓમિક્રોનના નવા 2 કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોનાના ઓમીક્રોન વેરીએન્ટની એન્ટ્રી થઈ છે. ઝાંબીઆ ઈસ્ટ આફ્રિકાથી આવેલ દંપતીનો કોરોના ઓમીક્રોન સંક્રમિત છે.
નોન હાઈરિસ્ક દેશોમાંથી ઓમીક્રોન પોઝિટિવનો ગુજરાતનો પ્રથમ કેસ છે. 7 ડિસેમ્બરે દંપતી વડોદરામાં આવ્યું હતું. 12 ડિસેમ્બરે બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ફતેપુરા વિસ્તારમાં દંપતી રહે છે. પરિવારના લોકોના RTPCR રિપોર્ટ લઈ સેમ્પલ લેબમાં મોકલાયા છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 60 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 58 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,745 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયુ છે. આજે 2,40,943 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે રાજકોટ કોર્પોરેશનમાં 12, વડોદરા કોર્પોરેશન 12, અમદાવાદ કોર્પોરેશનમાં 8, કચ્છ 7, સુરત કોર્પોરેશનમાં 5, જામનગર કોર્પોરેશનમાં 3, નવસારી 3, વડોદરા 2, વલસાડ 2, ભરૂચમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, જૂનાગઢ 1, મહેસાણા 1, પોરબંદર 1, અને રાજકોટમાં 1 કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 581 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 576 નાગરિકો સ્ટેબલ છે. 8,17,745 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10101 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 29ને પ્રથમ અને 816 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 6212 લોકોને પ્રથમ અને 56175 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 22493 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 155218 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,40,943 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,67,33,126 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.