અમદાવાદ: રાજ્યમાં 6 મહાનગરપાલિકામાં કૉંગ્રેસના સફાયા બાદ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. 31 એ 31 જિલ્લા પંચાયત પર ભાજપે કબજો કર્યો. એક પણ જિલ્લા પંચાયત કોંગ્રેસ ન જીતી શકી. 4 જિલ્લા પંચાયતમાં તો કોંગ્રેસ ડબલ ડિઝિટ સુધી માંડ માંડ પહોંચી શકી હતી.


પહેલી વખત ભાજપે ગાંધીનગર અને તાપી જિલ્લા પંચાયતમાં જીત મેળવી છે. 231 તાલુકા પંચાયતમાં પણ ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

231 તાલુકા પંચાયતમાંથી 196 તાલુકા પંચાયતોમાં ભાજપની જીત થઈ અને કોંગ્રેસની માત્ર 33 તાલુકા પંચાયતોમાં જીત થઈ છે.  તાલુકા પંચાયતના કુલ 4 હજાર, 774 બેઠકમાંથી 3 હજાર, 322 બેઠક પર ભાજપના ઉમેદવારની થઈ જીત. તો 1 હજાર, 243 બેઠક કૉંગ્રેસના ખાતામાં આવી. જ્યારે 31 બેઠક પર AAPના ઉમેદવાર ચૂંટાયા.
 

ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી રવિવારે યોજાઇ હતી. તેમાં જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. 2015ની 31 જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસને 22માં જ્યારે ભાજપને 7માં સત્તા મળી હતી. બે જિલ્લા પંચાયતમાં ટાઈ થઈ હતી. આ વખતે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થયા છે.