ગાંધીનગર:  રાજ્યમાં કોરોના વાયરસે (Coronavirus) ફરી એકવાર કહેર વર્તાવ્યો છે. તેની વચ્ચે કોવિડ-19 (Covid-19) ની ગાઈડલાઈનનું પાલન ન કરનારા લોકો સામે ગુજરાત પોલીસ  (Gujarat Police) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસે માસ્ક ન પહેરનારા અને જાહેરમાં થૂકનારા લોકો પાસેથી માત્ર ચાર જ દિવસમાં 2.66 કરોડનોં દંડ વસૂલ્યો છે.  
  



5 એપ્રિલના રોજ ગુજરાત પોલીસ દ્વારા એક જ દિવસમાં જાહેરનામા ભંગ બદલ 8682 લોકોના સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અલગ અલગ 404 ગુના હેઠળ 86 લાખ 60 હજાર 500 રુપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો.  જ્યારે 795 વ્યક્તિઓની ધરપકડ અને 617 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.  



ગુજરાતમાં કોરોનાની સ્થિતિ



ગુજરાતમાં કોરોના સંક્રમણ (Gujarat Corona Cases) ખતરનાક રીતે વધી રહ્યું છે. તેમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની હાલત અત્યંત ખરાબ છે. રાજ્યમાં એપ્રિલના છ દિવસમાં નવા કેસમાં પણ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા 17 હજાર 180 પોઝિટીવ કેસ (Corona Positive Cases) નોંધાયા છે. મંગળવારે કોરોનાના નવા 3280 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે 121 દિવસ બાદ કોરોનાની સારવાર દરમિયાન 17 દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં 3 લાખ 24 હજાર 881 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જે પૈકી 3 લાખ 2 હજાર 932 લોકો કોરોના સામેની જંગ જીતી ગયા છે. જ્યારે 4 હજાર 598 લોકોના મોત થયા છે.



રાજ્યમાં કોરોના સંક્રણ વધતા મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગઈકાલે રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી હતી. સુરતથી આવ્યા બાદ મુખ્યમંત્રીએ સીધા જ કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વીડિયો કૉંફ્રેસના માધ્યમથી ચર્ચા કરી ત્યારબાદ હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. જેમાં આઠ મહાનગર ઉપરાંત 12 શહેરમાં રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ નો નિર્ણય કરાયો હતો.


અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર આઠ મહાનગર ઉપરાંત આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેંદ્રનગર અને ભરૂચમાં પણ રાત્રી કર્ફ્યુ લાગુ કરાયો છે.