Gujarat Rain: માંગરોળ પંથકમાં ગયકાલે બાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને ફરી ગત મોડીરાત્રે માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ શરૂઆત થઇ હતી જેથી માંગરોળ પંથકમાં ચારેબાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ ભારે વરસાદના કારણે લોકોનાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે.આ ઉપરાંત ખેડૂતોના ખેતરોના ધોવાણ થયા છે. ખેડુતોને મગફળીના વાવેતરમાં ભારે નુકસાની થવાની શક્યતા શેવાઇ રહી છે.


 



 હાલ તો માંગરોળનાં ઘેડ પંથકમાં ફરી એકવાર જળ પ્રલયની પરિસ્થિતિ સર્જાઈ છે. ઘેડ પંથકના લોકોનાં ઘરોમાં કમરડુબ પાણી ભરાયાં છે. જેના કારણે માંગરોળ પંથકમાં ખેડુતો તેમજ લોકોની પરિસ્થિતિ દયનીય બની છે. ઘેડ પંથકમાં મકાનો બેટમાં ફેરવાયા છે તેવા પણ દ્ગશ્યો સામે આવ્યા છે. લોકોના રહેવા માટેનાં મકાનો પાણીમાં ડુબી ગયા હોવાથી બીજાનાં ઘરે આસરો લેવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત લોકોનાં ઘરોમાં પાણી ભરાતા ફુલરામા ઘેડ ગામના લોકોએ પોતાનો માલ સામાન ઘરવખરી પલળે નહી તે માટે ઘરોમાં પથ્થરો રાખી તેમનાં ઉપર ખાટલાઓ રાખી જિંદગી જીવવા મજબૂર બન્યા છે. પાણી ઘરોમાં ઘૂસતા મોટી નુકસાની વેઠવી પડી છે.




માણાવદરનું મટીયાણા ગામ બન્યું તળાવ


જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના માણાવદર અને કેશોદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માણાવદર પંથકનું મટીયાણા ગામ તળાવ બન્યું હતું. આખા ગામમા ઘૂંટણસમા પાણી ભરાયા હતા. લોકોના ઘરોમા પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઇ હતી. તમામ ઘરવખરી પલળી જતા લોકો પરેશાન થયા હતા. મટીયાણા ગામની શેરીમાં કેડસમા પાણી ભરાયા હતા. લોકોને લાકડીના સહારે ચાલવાની ફરજ પડી હતી.


મગફળી સહિતના પાકને નુક્સાન પહોંચે તેવી સંભાવના


કેશોદની મુખ્ય બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કેશોદની બજારમાં બે ફૂટ સુધીના પાણી ભરાયા હતા. અમૃતનગર, યોગી નગર વિસ્તારમાં પાણી ભરાયા હતા.માણાવદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.  વડાળા, નાનડીયા, સીતાણા, ભીતાણા લાગંડ, ઇન્દ્રાણા, પાદરડી સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ-કેશોદ હાઈવે પર ખેતરોમાં બેટમાં ફેરવાયા હતા. મગફળી સહિતના પાકને નુક્સાન પહોંચે તેવી સંભાવના છે.




 




Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial