Ambalal Patel rain forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો અને લોકો માટે એક ખુશખબર આપી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જે વરસાદ ખેંચાયો હતો, તેનું મુખ્ય કારણ પેસિફિક મહાસાગરમાં ઉદભવેલું એક વાવાઝોડું હતું. આ વાવાઝોડું અરબ સાગર અને બંગાળની ખાડીનો બધો ભેજ પોતાની તરફ ખેંચી લેતું હતું, જેના લીધે આપણા ત્યાં સારો વરસાદ થવામાં મોટો અંતરાય ઊભો થયો હતો. પણ હવે રાહતના સમાચાર એ છે કે આ વાવાઝોડું દક્ષિણ ચીન તરફ ફંટાઈ ગયું છે. આથી, બંગાળની ખાડીમાં ફરીથી નવી સિસ્ટમ બનવાની પૂરી શક્યતા છે અને 13 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ફરી એકવાર સારો વરસાદ જોવા મળશે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, આજથી જ રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજાની મહેર શરૂ થઈ જવાની શક્યતા છે. 13 ઓગસ્ટ સુધીમાં તો મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાની સાથે સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આટલું જ નહીં, પાટણ, સમી અને હારીજના કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ જામશે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ સમયગાળામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ ખાબકવાની શક્યતા રહેલી છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
14 ઓગસ્ટ પછીનો માહોલ જોઈએ તો, બંગાળના ઉપસાગરમાં એક નવું 'લો પ્રેશર' સર્જાશે. જોકે, તેની સૌથી વધુ અસર પૂર્વ ભારતના રાજ્યોમાં જોવા મળશે. પરંતુ આપણા ગુજરાતમાં 17, 18 અને 19 ઓગસ્ટે વાતાવરણ ફરીથી પલટાશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. ત્યારબાદ 22 અને 23 ઓગસ્ટના રોજ પણ સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.
મહિનાના અંતમાં એટલે કે 31 ઓગસ્ટે 'પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર' બેસશે, જેના કારણે પણ વરસાદ થવાના યોગ છે. જોકે અંબાલાલ પટેલ જણાવે છે કે આ નક્ષત્રમાં પડેલા વરસાદનું પાણી એટલું સારું ગણાતું નથી. આ પછી સપ્ટેમ્બર મહિનામાં પણ મેઘરાજા વિરામ લેવાના મૂડમાં નથી. 2 અને 7 સપ્ટેમ્બરે ફરીથી હવામાનમાં મોટો પલટો આવશે. એકંદરે જોઈએ તો, આખો સપ્ટેમ્બર મહિનો રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ લઈને આવશે તેવી પ્રબળ શક્યતા છે.
આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
