Gujarat Rain: ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવશે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, સાથે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવાની પણ શક્યતાઓ દર્શાવી છે. અંબાલાલની આગાહી પ્રમાણે, આગામી 72 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે, કારણ કે બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં લૉ પ્રેશર સિસ્ટમ એક્ટિવ થઇ છે.
ગુજરાતના ખેડૂતો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. દિવાળીના તહેવારો વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 72 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે, હાલમાં બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે જેના કારણે અને ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમની વિક્ષેપના કારણે વરસાદની શક્યતા છે. રાજ્યમાં નવસારી સુરત, ભરૂચ, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત વલસાડ, નવસારી, ભરૂચ, સુરત સહિતના ભાગોમાં પૂર આવે તેવા વરસાદની શક્યતાઓ પણ છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી છે. એટલુ જ નહીં વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, દસાડા, પાટડી, વિરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા, બરવાળા, કડીમાં ભારે વરસાદની આગાહી છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદમાં આજથી જ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.
ખાસ વાત છે કે, આગામી 7મી નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવશે. 18મી નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ફરી એકવાર ચક્રવાત થવાની શક્યતા છે, જેના કારણે 15મી ડિસેમ્બર સુધીમાં માવઠાની આગાહી છે. મહત્વનું છે કે, આ વર્ષે શિયાળામાં સૌથી વધુ ઠંડી પડવાની શક્યતા છે. આગામી 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો શરૂ થશે અને 14 જાન્યુઆરી બાદ રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે.