ગાંધીનગર :  રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ પડશે.  સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, સેલવાસમાં પણ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. 


અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી


આવતીકાલે અને 9 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાત તથા કચ્છમાં કમોસમી વરસાદ વરસશે. મકરસંક્રાંતિના સમયે રહેશે વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠંડા પવનો ફૂંકાશે.  જાન્યુઆરી બાદ ફેબ્રુઆરી માસમાં પણ માવઠાનું સંકટ રહેશે.  પશ્ચિમી વિક્ષેપનું જોર ફેબ્રુઆરી માસની શરૂઆતમાં વધવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે.  17 અને 18 ફેબ્રુઆરીએ પણ કમોસમી વરસાદની શક્યતા છે. જાન્યુઆરીના અંતમાં ગરમીનો અનુભવ થશે.  


નર્મદામાં કમોસમી વરસાદ વરસ્યો


હવામાન વિભાગની આગાહી વચ્ચે નર્મદામાં કમોસમી વરસાદ વરસ્યો છે. કેવડિયા અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે. માવઠાના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. વરસાદના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે.  


કેવડિયા વિસ્તારમાં વરસાદી ઝાપટું


હવામાન વિભાગની આગાહીના એક દિવસ પહેલા રાજ્યમાં માવઠું થયું છે. નર્મદા જિલ્લામાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો. કેવડિયા વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે. કેવડિયા આસપાસના ભાગોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો.  ભરશિયાળે વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જ્યારે હવામાન વિભાગની 8, 9 જાન્યુઆરીએ આગાહી છે, પરંતુ  રવિવારે કેવડિયા વિસ્તારમાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. 


8 જાન્યુઆરીએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી ગીર સોમનાથ અને રાજકોટમાં સામાન્ય વરસાદ થશે. રાજ્યમાં 5થી 10 કિમી પ્રતિ કલાક પવનની ગતિ છે. નોંધનીય છે કે, રાજ્યના 17 શહેરમાં 15 ડિગ્રીથી પણ ઓછું તાપમાન નોંધાયું છે. નલિયા, દીવ અને ડિસામાં 10 ડિગ્રી તાપમાન, ગાંધીનગર, રાજકોટ, કેશોદમાં 11 ડિગ્રી તાપમાન, ભુજ અને કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 


ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે. તાપમાન ઘટતા અનેક શહેરોમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.