Gujarat Rain: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં ઠેકઠેકાણે વરસાદ પડી રહ્યો છે. ગઇકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો જેના કારણે નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગડી હતી, હવે આ આજે પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવે આ બધાની વચ્ચે આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે આગામી ત્રણ કલાક ભારે રહેશે. હાલમાં વરસાદને લઇને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હવામાન ખાતાની આગાહી પ્રમાણે, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ જાહેર કરાયા છે. રાજ્યમાં ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લામાં 3 કલાકમાં વરસાદ પડશે, નવસારી, તાપી અને ડાંગમાં 3 કલાકનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આની સાથે જ વલસાડ, દાદરા અને નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે એલર્ટ આપ્યુ છે, જેમાં ભાવનગર, અમરેલી જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે, વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં 3 કલાકમાં અડધા ઈંચ વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, પંચમહાલમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં 3 કલાકમાં વરસાદ પડશે. અમદાવાદ, રાજકોટ અને બોટાદમાં 3 કલાક માટે વરસાદનું યલો એલર્ટ છે. આ ઉપરાંત આણંદ, ખેડા અને મહીસાગર અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
વલસાડ જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ
વલસાડ જિલ્લામાં કેટલાક સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. મોડી સાંજે અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે ધરમપુર, કપરાડા, વાપી, વલસાડ અને ઉમરગામ જેવા તમામ તાલુકાઓમાં ભારે વરસાદની શરૂઆત થઈ. ખાસ કરીને કપરાડામાં મોડી સાંજે અચાનક 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પર અસર જોવા મળી છે.
ગરબા આયોજન પર મોટી અસર
નવરાત્રિની મોસમમાં વરસાદ પડતાં ગરબાના આયોજન પર તેની સીધી અસર પડી છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદને કારણે ગરબાનું આયોજન અટકી ગયું છે. જે સ્થળો પર ડોમમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાં પણ વરસાદની અસર જોવા મળી રહી છે. સજી-ધજીને ગરબા માટે તૈયાર થયેલ ખેલૈયાઓ ભારે નિરાશ થયા છે, અને મોંઘા પાસ ખરીદનારાઓમાં પણ નિરાશા વ્યાપી છે. વાપીમાં વરસાદને કારણે ગરબા આયોજકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.