Rain: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, વરસાદના આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તબાહી મચાવી છે. જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. સુરત, કપરાડા, પલસાણા, નવસારી, તાપી અને સૌરાષ્ટ્ર ઝૉનના કેટલાક ભાગોમાં પુરની સ્થિતિ સર્જાઇ છે, અને કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. હવામાન વિભાગની આગાહી બાદ હવે ગુજરાતમાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરીને ગુજરાતવાસીઓને સાવધ રહેવા સૂચન કર્યુ છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, ગુજરાતમાં પણ હજુ પણ ત્રણ સિસ્ટમનો ખતરો છે, અને આગામી દિવસોમાં વરસાદનું જોર વધી શકે છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યારે પુરની સ્થિતિ સર્જાઇ છે. કેટલાક ગામોમાં હજુ પણ કેડસમા પાણી ભરાયેલા છે, જેના કારણે સ્કૂલ-કૉલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે રજાઓ જાહેર કરવામા આવી છે. હવે આ બધાની વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાત પર હજુ પણ વરસાદી ખતરાનો સંકેતો આપ્યા છે. જાણો શું કહ્યું અંબાલાલ પટેલે...


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઇને મોટી આગાહી કરી છે. તેમને આગાહી કરતાં જણાવ્યુ કે, કચ્છના અખાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે, હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. વરસાદી ધરી ઉત્તરીય-પૂર્વિય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે. બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થઇ રહ્યું નથી. હિંદ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો થયો છે. પેસિફિક મહાસગર પર વાદળો હાલમાં નહીવત છે, ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પણ નહીવત દેખાઇ રહ્યાં છે. વાયુ મંડળમાં એટમૉસ્ટફિયરિક વેવ નબળી દિશામાં છે. 


અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે, હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડેક અંશે સિસ્ટમ બની રહી છે, જેના કારણે આગામી 26 અને 30 જૂલાઈ સિસ્ટમ સક્રિય થશે. ઉત્તરગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરફથી અસર સર્જાતા વરસાદ ખાબકશે. 26 જૂલાઈથી ઉત્તરગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. 7મી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લૉ પ્રેશરના કારણે ભારે વરસાદ લાવી શકે છે. જુનાગઢ, અમરેલીના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર રિઝનમાં બોટાદ, સાવરકુંડલાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ બની શકે છે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. ભરૂચ વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરની સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદ પડી શકે છે. ઉત્તરગુજરાત અને કચ્છમાં આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકી શકે છે.