Gujarat Rains: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. ત્યારે હજુ પણ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 46.91 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 160363 એમસીએફટી જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 48 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.


કેટલા જળાશયો છે પૂરા ભરાયેલા


પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર તા. 13 જુલાઈ, 2022ની સ્થિતિએ રાજ્યભરમાં 21 જળાશયો એવા છે કે જેમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. 30 જળાશયોમાં 70 ટકાથી 1૦૦ ટકા જળસંગ્રહ, 27 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ, 51 જળાશયોમાં (સરદાર સરોવર સહિત) 25 ટકાથી 50 ટકા જળસંગ્રહ, 77 જળાશયોમાં 25 ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો, સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.


હાઈએલર્ટ પર કેટલા છે ડેમ


રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલ 21 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલ 6 જળાશયો મળી કુલ 27 જળાશયો હાઈ એલર્ટ ઉપર છે. જયારે 80  ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 12 જળાશયો એલર્ટ ઉપર અને 70 ટકાથી 8૦ ટકા જળસંગ્રહ ધરાવતા 11 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મધ્ય ગુજરાતમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્ચમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, વડોદરા, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં ઓરેંજ એલર્ટ અપાયું છે.