Gujarat Rain Live Updates: 11 ઈંચ વરસાદથી બોટાદ થયું પાણી પાણી, શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ
Gujarat Rain Live Updates: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 19 જૂન સુધી સાર્વત્રિક વરસાદ રહેશે.
અમદાવાદમાં અનેક ઠેકાણે જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદના ગોપાલચોકમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. પાણીના ભરાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ગોપાલ ચોકમાં વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ચોમાસાના પહેલા વરસાદમાં જ એએમસીનો પ્રિમોનસૂન પ્લાન ધોવાઇ ગયો છે. પ્રિમોન્સૂન પ્લાન ગઈકાલ રાતથી જ પાણીમાં ધોવાઇ ગયો છે. AMCની વાર્તાઓ આ વર્ષે પણ પોકળ સાબિત થઇ છે. પહેલા ગટરીયા પાણી હવે વરસાદી પાણીથી રોડ રસ્તા જળબંબાકાર થયા છે. ગટર હોય કે વરસાદ પાણી નિકાલની ગોપાલ ચોકમાં કોઈ સુવિધા ન હોવાથી લોકો પરેશાની ભોગવી રહ્યાં છે.
અમરેલીના સાવરકુંડલાના ઘોબા ગામે ગઈકાલે ફસાયેલા પાંચ લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘોબાથી ઠાસા જવાના રસ્તે આવેલ એક ખેતરમાં પાંચ ખેત મજૂરો ગઈકાલે ફસાયા હતા. NDRFની ટીમે ત્રણ મહિલા સહિત અન્ય બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. મામલતદાર, અને તાલુકા વિકાસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો હતો. શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા હતા. શેત્રુંજી ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલાયા હતા.
ભાવનગરના પાલિતાણાના રજાવડ નદીમાં કાર તણાયાનો વીડિયો વાયરલ થયો છે. સોમવારના વરસેલા ભારે વરસાદમાં પાણીમાં કાર તણાઈ હતી. કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો. પાણીના તેજ પ્રવાહમાં કાર કાગળની બોટની જેમ તણાઈ હતી. સોમવારે સાંજે 6 વાગ્યાના અરસામાં કાર પાણીમાં તણાઈ હતી. 12 ઈંચ વરસાદમાં પાલિતાણા તાલુકાની નદીઓમાં પૂર આવ્યુ હતું
બોટાદમાં કાર તણાઈ જતા 3 લોકોના મોત થયા છે. સાંગાવદર ગામ પાસે કાર તણાઈ જવાની ઘટના બની હતી. ત્રણના મૃતદેહ મળ્યા હતા. હજુ ચાર લોકો લાપતા છે. કારમાં કુલ નવ લોકો સવાર હતા.
મંદિરે દર્શન કરી પરત ફરતા સમયે ઘટના બની હતી
ભાવનગરના પાલીતાણામાં વધુ એક કોઝવે તૂટ્યો હતો. નોઘણવદર ગામેથી મોતીશ્રી ગામ તરફ જવાનો કોઝવે તૂટ્યો હતો. કોઝવે તૂટી જતા છ ગામ સંપર્ક વિહોણા થયા હતા. મોતીશ્રી, સુરનગર, બહાદુરપુર ગામનો સંપર્ક કપાયો હતો. વાળુકડ, પાંચ, પીપળા, ચોંડા ગામનો સંપર્ક તૂટ્યો હતો.
11 ઈંચ વરસાદથી બોટાદ શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા. બોટાદમાં જ્યોતિગ્રામ સર્કલ પાસે પાણી ભરાયા હતા. રસ્તાઓ બેટમાં ફેરવાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. બોટાદની અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે
અમરેલી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અમરેલીના કાઠમાં ગામની સ્થાનિક નદીમાં પૂરથી ભારે નુકસાન થયું છે. ગામના કાંઠા વિસ્તારના લોકોના આઠ પાલતુ પશુના મોત થયું છે. નદી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોના ઝૂપડામાં પાણી ઘૂસતા ઘરવખરી તણાઈ હતી. ધારાસભ્ય કૌશિક વેકરિયાએ કાઠા ગામની મુલાકાત લીધી હતી.
ધોધમાર વરસાદથી અમરેલીમાં અનેક રસ્તાઓ બંધ કરાયા હતા. સાવરકુંડલાના ડેડકડી-વીજપડી રોડ પરનો પુલ બેસી ગયો હતો. પુલ બેસી જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી તાપમાનમાં વધારો થતાં લોકો ગરમીથી અને ઉકળાટ બફારાનો અનુભવ કરી રહ્યાં હતા. જો કે રાજ્ય પર 4 સિસ્ટમ એકી સાથે એક્ટિવ થતાં ચોમાસાને ગતિ મળતાં રાજ્યમાં ચોમાસાના આગમન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. તાજેતરના અહેવાલ પ્રમાણે ભાવનગર જિલ્લાના પાલિતાણાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ સર્જાયો છે. ગઈકાલે માત્ર ચાર કલાકમાં 6 ઇંચ વરસાદ પડી ગયો જેમાં કેટલાક લોકોના ઘરમાં પાણી ભરાયા હતા અને ઘરવખરીને નુકસાન થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 19 જૂન સુધી સાર્વત્રિક વરસાદ રહેશે.
ગુજરાતમાં ધોધમાર વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલા પટેલે 19 જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ19 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા વ્યક્ત કરી છે. , પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. 19 બાદ વરસાદનું જોર ઘટશે પરંતુ બાદમાં 26થી 30 જૂન દરમિયાન ફરી એક વરસાદનો રાઉન્ડ આવશે આ વરસાદના રાઉનડમાં મૂશળધાર વરસાદનું અનુમાન વ્યકત કર્યું છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિના નિર્માણની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
ભારે વરસાદને લઈ NDRFની ટીમોને સ્ટેન્ડબાય રખાઈ હતી. રાજકોટથી NDRFની 2 ટીમને રવાના કરાઈ હતી. NDRFની 1 ટીમને કચ્છ રવાના કરાઈ હતી. અત્યંત ભારે વરસાદની આગાહીને લઈ NDRF એલર્ટ અપાયું છે. રાજકોટથી NDRFની ટીમને બોટાદ-ભાવનગર રવાના કરાઈ હતી. બોટાદ-ભાવનગરમાં એક-એક ટીમ રવાના કરાઇ હતી.
સુરેંદ્રનગરના મૂળી તાલુકાના નાયકા ડેમના દરવાજા ખોલાયા હતા. નાયકા ડેમના 3 દરવાજા બે ફૂટ સુધી ખોલાયા હતા. ગૌતમગઢ, કૂકડા, ગોદાવરી ગામના લોકોને એલર્ટ કરાયા હતા. શેખપર, ખમીસણા ગામના લોકોને એલર્ટ કરાયા હતા. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઇ હતી.
આ ઉપરાંત રાજ્યના 24 તાલુકામાં બે ઇંચથી વધુ, 66 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 93 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 33 જિલ્લાના કુલ 221 તાલુકામાં સરેરાશ 1.5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ચોમાસાના આગમન સાથે જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, ભાવનગર જિલ્લાના પાલીતાણા અને શિહોર 12-12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ સરેરાશ 8 ઇંચ તેમજ બોટાદ જિલ્લામાં એક જ દિવસમાં સરેરાશ 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
14 ઈંચ વરસાદથી બોટાદના ગઢડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. બોટાદ જિલ્લાની નદીઓમાં પાણીની ભારે આવક થઇ હતી. ગોરડકાની કેરી નદીમાં નવા નીર આવ્યા હતા. ઉપરવાસમાં વરસાદથી કેરી નદીમાં પાણીની ભારે આવક જોવા મળી હતી. બોટાદમાં પણ 11 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે
ભાવનગર શહેરમાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાયા હતા. કુંભારવાળા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો. 24 કલાકમાં ભાવનગર શહેરમાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો
રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદને લઈ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગનું આગામી ત્રણ કલાકને લઈ વરસાદની આગાહી કરાઇ છે. ત્રણ કલાકમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઇ હતી.
અમરેલી, રાજકોટ, મોરબી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર અને અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, બોટાદ, વડોદરા, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઇ છે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઇ છે. તાપી, ડાંગ, નવસારી,વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, કચ્છમાં પણ હળવા વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે.
ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું બેસી ગયુ છે, ગુજરાતના 221 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં બોટાદના ગઢડામાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ વરસાદ ખાબક્યો છે, અને આ ઉપરાંત પાલીતાણામાં 11.9 ઈંચ અને સિહોરમાં 11.6 ઈંચ વરસાદે એકબાજુ ઠંડક આપી છે તો બીજીબાજુ તબાહી પણ મચાવી છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાત-સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરીને રેડ એલર્ટ જાહેર કર્યુ છે.
અમરેલીના બાબરામાં કોઝવેમાં કાર ફસાઇ ગઇ હતી. નાની કુંડળ ગામે પાણીના પ્રવાહમાં કાર ફસાઈ જતાં તાબડતોડ 3 લોકોનું પ્રશાસને રેસ્ક્યૂ કર્યું છે. આ પરિવાર કારમાં બાબરાથી રાજકોટ જતા હતા.
બોટાદના સાગાવદર ગામે કાર વરસાદીમાં પાણી તણાઈ છે, આ કારમાં સાત લોકો સવાર હતા, જેમાં સાત પૈકી બે લોકો મળ્યા હતા અને પાંચ લોકો લાપતા થયા હતા. ફાયરની ટીમે આખીરાત લાપતા લોકોની શોધખોળ કરી હતી, અને લાઠીદડ-કારીયાણી વચ્ચેથી તણાયેલી કાર મળી આવી હતી. આ લાપતા પાંચ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. માહિતી પ્રમાણે, જૂનાગઢથી દર્શન કરવા સાગાવદર ગામે આવ્યા હતા, દર્શન કરી પરત ફરતા સમયે પાણીના પ્રવાહમાં કાર તણાઇ હતી.
પાલીતાણામાં 11.9 ઇંચ વરસાદ પડતા જનજીવન ઠપ્પ થઇ ગયુ છે, અને વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. ભારે વરસાદથી પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટી ગયો છે. રંડોળાથી સિહોરને જોડતો પૂલ તૂટી જતા આ સંપર્ક કપાયો છે. જેમાં બુઢણા, લવરડા, ઢંઢુસર, સરકડીયા, ગુંદળા, ટાણા સહિતના ગામો હાલ સંપર્ક વિહોણા થયા છે. પાલીતાણામાં 24 કલાકમાં ખાબક્યો છે 12 ઈંચ વરસાદથી નદીઓ પણ બે કાંઠે વહી રહી છે, આજે પણ ભારે વરસાદનું અનુમાન છે.
મૂશળધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી પાલીતાણા પાણી પાણી થયું હતું. સિહોરમાં 11.6, જેસરમાં 10. 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઉમરાળામાં 10.4, વલ્લભીપુરમાં 6.3 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા સ્થિતિ વિકટ બની હતી.
મહુવાનું તલગાજરડા સંપર્કવિહોણું બન્યું હતું. ગામમાં કેડ સમા પાણી ભરાયાં હતા. તેમજ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પાલિતાણા-જેસર-સિહોરમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો.આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના જિલ્લાઓ જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારેઆણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, દ્વારકા અને જામનગરમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતાને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છોટા ઉદેપુર જીલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.અને જિલ્લાના પાવી જેતપુર ખાતે વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.વહેલી સવારથી વરસાદને પગલે જનજીવન પર તેની અસર થાય તેવું હાલ લાગી રહ્યું છે. હવે વિધિવત રીતે ચોમાસું શરૂ થયું હોય તેમ વરસાદે શરૂઆત કરી છે અને બે દિવસથી સતત વરસાદ વરસતા ખેડૂતો નવી સીઝનની તૈયારી કરવા લાગી ગયા છે. ભૂજ શહેરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થતા છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઉકળાટ સહન કરતા શહેરીજનોએ કુદરતી ઠંડકનો અનુભવ કર્યો છે. રાત્રે મોસમનો પ્રથમ વરસાદ ધોધમાર સ્વરૂપે વરસતા, શહેરના માર્ગો પરથો જોશભેર પાણી વહેતા થયા હતા.
રાજકોટ જિલ્લાના ગોંડલ અને વિંછીયા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ગોંડલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ગોંડલ તાલુકાના પાટખિલોરી ગામની નદી બે કાંઠે વહેતી થઇ હતી. પાટખિલોરી ગામની નદી બે કાંઠે વહેતી થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. દેરડી(કુંભાજી)થી વાસાવડ, બાબરા, અમરેલી જતા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. વિંછીયા તાલુકામાં રાત્રીના ધોધમાર બાદ સવારથી ફરી વરસાદ શરૂ થયો હતો. વિંછીયા તાલુકાના મોઢુકા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના પગલે માલણ ડેમ ભરાયો હતો. સમગ્ર તાલુકામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ. ડેમ ભરાઈ જતા માલણ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો જેના પગલે શહેરના અનેક વિસ્તારોમાં માલણ નદીના પાણી વહેતા થયા. નદી કાંઠે અવરજવર કરવાની પોલીસ દ્વારા સખત મનાઈ કરી દેવામાં આવી છે. ભાદરોડ જાપા ખારજાપા નવા જાપા તેમજ બંદર રોડ કતપર બંદર ગામમાં પણ પાણી ઘરોમાં ઘૂસ્યા હતા.
ભારે વરસાદની સ્થિતિને પગલે અમરેલી કલેક્ટરે માહિતી આપી હતી. કલેક્ટરે કહ્યું કે બે-ત્રણ જગ્યા પર ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયુ હતું. સાવરકુંડલામાં બસમાં ફસાયેલા છ લોકોને બચાવાયા હતા. પીપાવાવ ધામમાં ફસાયેલા 24 લોકોને બચાવાયા હતા.
બોટાદના ગઢડામાં મૂશળધાર વરસાદથી નદીઓ બે કાંઠે થઇ હતી. ગઢડાની ઘેલો નદીમાં પાણીની ભારે આવક થઇ હતી. લોકોને નદી કાંઠે ન જવા માટે અપીલ કરાઈ હતી. છેલ્લા 24 કલાકમાં ગઢડામાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે
મોરબી જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. હળવદ અને આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. હળવદમાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો.
પાલીતાણાના રંડોળા ગામમાં કાર તણાઈ હતી. રજાવળ નદી બે કાંઠે થતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી. કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો.
મૂશળધાર વરસાદથી બોટાદ-ગઢડા રોડ પર ખેતરો તળાવમાં ફેરવાયા હતા. ટાટમ નજીક ખેતરો બેટમાં ફેરવાયા હતા. 24 કલાકમાં ગઢડામાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે
પશ્ચિમ કચ્છમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. માંડવીમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો. માંડવીમાં 24 કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વરસાદના આગમનથી ખેડૂતો ખુશ થયા હતા.
કચ્છ જિલ્લામાં મેઘમહેરથી ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા. મુંદ્રા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. મુંદ્રામાં 24 કલાકમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.
સુરેંદ્રનગર જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી. 24 કલાકમાં ચોટીલામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધ્રાંગધ્રા, દસાડા, લખતરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વઢવાણ, લીંબડી તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.
દ્વારકામાં રાત્રી દરમિયાન વરસાદ ખાબક્યો હતો. દ્વારકાના કલ્યાણપુરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ખંભાળિયામાં સવા ઈંચ, ભાણવડમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.
ચોમાસાના આગમને જ અમરેલી પાણી પાણી થયું હતું. અમરેલીમાં 24 કલાકમાં સાવરકુંડલામાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજુલામાં 7.4 ઈંચ, અમરેલીમાં 6.8 વરસાદ ખાબક્યો હતો. લીલીયામાં 6.7 ઈંચ, બાબરામાં 4., લાઠીમાં 3.2 ઈંચ વરસાદ વરસ્યો હતો. મૂશળધાર વરસાદથી અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો હતો. રંડોળાથી સિહોરને જોડતો પૂલ તૂટી જતા સંપર્ક તૂટ્યો હતો. બુઢણા, લવરડા, ઢંઢુસર, સરકડીયા, ગુંદળા,ટાણા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો હતો. પાલીતાણામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મૂશળધાર વરસાદથી નદીઓમાં પાણીની ભારે આવક જોવા મળી રહી હતી.
મૂશળધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી પાલીતાણા પાણી પાણી થયું હતું.સિહોરમાં 11.6, જેસરમાં 10. 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઉમરાળામાં 10.4, વલ્લભીપુરમાં 6.3 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા સ્થિતિ વિકટ બની હતી. જિલ્લાની નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.
બોટાદના ગઢડામાં ભારે વરસાદથી કોઝવે તૂટ્યો હતો. ઈશ્વરીયા ગામનો કોઝવે તૂટતા ગામ સંપર્ક વિહોણું થયું હતું. ઈશ્વરીયાથી લાખણકા ગામ વચ્ચેનો કોઝવે તૂટ્યો હતો
અનરાધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં અનેક રસ્તા બંધ થયા હતા. ભાવનગર વાયા વલ્લભીપુર, ધંધુકા થઈ અમદાવાદ જતો હાઈવે બંધ કરાયો હતો. કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. હાઈવે બંધ થતા અનેક વાહન ચાલકો ફસાયા હતા.
ભાવનગરના મહુવા શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેસર, પાલિતાણા,મહુવા,સિહોર, ગારિયાધાર અને ઉમરાળા સહિતના તાલુકા જળબંબાકાર થયા. ગઇકાલે સાંજના 6 વાગ્યા સુધીમાં જેસર, પાલિતાણા અને સિહોર તાલુકામાં 10-10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો મહુવામાં 9 ઈંચ વરસાદ વરસ્યો હતો. ગારિયાધાર અને ઉમરાળામાં પાંચ-પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. રસ્તા પરના વાહનો પણ વરસાદી પાણીમાં ડૂબી ગયા હતા. બજારોમાં પાણી ભરાતા વેપારીઓ પોતાની દુકાન પણ ખોલી શક્યા નહીં.
ભાવનગરના મહુવા શહેર અને તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી હતી. તલગાજરડા ગામમાં તો 6 ફૂટ સુધી વરસાદી પાણી ભરાયા હતા. તલગાજરડાની સર્વોદય સ્કૂલમાં અભ્યાસ કરતાં 40 જેટલા બાળકો પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ મામલતદાર, પ્રાંત અધિકારી, પોલીસ અને ડિઝાસ્ટર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી અને રેસ્ક્યૂ ઑપરેશન શરુ કરાયું હતું. ભારે જહેમત બાદ વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને ગામમાંથી બહાર લાવી સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં બોટાદના ગઢડામાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ, પાલીતાણામાં 11.9 ઈંચ વરસાદ, સિહોરમાં 11.6 ઈંચ વરસાદ, બોટાદમાં 11, જેસરમાં 10.7 ઈંચ વરસાદ, ઉમરાળામાં 10.4, સાવરકુંડલામાં 10 ઈંચ વરસાદ, ભાવનગરના મહુવામાં 9 ઈંચ વરસાદ, રાજુલામાં 7.4, અમરેલીમાં 6.8 ઈંચ વરસાદ, લીલીયામાં 6.7 ઈંચ, વલ્લભીપુરમાં 6.3 ઈંચ વરસાદ, ચોટીલામાં 6.2 ઈંચ, તળાજામાં 6.1 ઈંચ વરસાદ, ગારીયાધારમાં 5.9, વીંછીયામાં 5.9 ઈંચ વરસાદ, હાંસોટમાં 5.4, મોરબીમાં 4.9, બાબરામાં 4.8 ઈંચ વરસાદ વરસ્યો હતો.
તે સિવાય ખાંભામાં 4.1, ટંકારામાં 3.9,જસદણમાં 3.9 ઈંચ, ચુડા, સાયલામાં 3.9, થાનગઢમાં 3.7 ઈંચ વરસાદ, મૂળીમાં 3.7,જૂનાગઢમાં 3.6 ઈંચ વરસાદ, હળવદમાં 3.5, ભાવનગરમાં 3.5 ઈંચ વરસાદ, જેતપુરમાં3.5, ઓલપાડમાં 3.3 ઈંચ વરસાદ, અંકલેશ્વરમાં 3.3, લાઠીમાં 3.2 ઈંચ વરસાદ, કચ્છના માંડવીમાં 3.2, વડિયામાં 2.8 ઈંચ વરસાદ, ઉમરગામમાં 2.7, કલ્યાણપુરમાં 2.6 ઈંચ વરસાદ, ભેસાણમાં 2.6, બાલાસિનોરમાં 2.6 ઈંચ વરસાદ, બરવાળા, બગસરામાં 2.6, પાદરામાં 2.5 ઈંચ વરસાદ, ભરૂચ, લોધિકા, ઘોઘામાં 2.4 ઈંચ વરસાદ, ઉનામાં 2.3, વાંકાનેર, જંબુરસમાં 2.2 ઈંચ વરસાદ, કપડવંજ, પોરબંદર, ઉપલેટામાં 2.2 ઈંચ વરસાદ,વંથલીમાં 2.2, બોડેલી, ધંધુકામાં 2.1 ઈંચ વરસાદ, ગોંડલમાં 2.1, સુત્રાપાડામાં 2 ઈંચ વરસાદ, રાજકોટ, મેંદરડા, ડોલવણ, દ્વારકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો.
ભાવનગરમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ફસાયેલા 31 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પાલીતાણાના 3 ગામમાં ફસાયેલા 31 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સેંજળીયા ગામેથી કુલ 19 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. મોખડકા ગામે 11 અને આકોલાળી ગામેથી એક વ્યક્તિનું રેસ્ક્યૂ કરાયું હતું. નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા લોકો ફસાયા હતા.
બોટાદના ગઢડામાં 12 કલાકમાં 14 ઈંચ વરસાદ વરસ્યો હતો. બોટાદમાં 12 કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. મૂશળધાર વરસાદથી ગઢડા-બોટાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. બોટાદની સોસાયટીઓમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા. રામનીધી, સ્વામિનારાયણ નગર, પાટીદાર રેસિડેન્સીમાં પાણી ભરાયા હતા. સોસાયટીના મુખ્ય માર્ગ પર જ કમર સુધીના પાણી ભરાયા હતા.
બોટાદના રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
બોટાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. બોટાદ શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં મન મુકીને વરસ્યા હતા. લાઠીદડ, સમઢીયાળા, નાગલપર, હડદડ, તરઘરા, અને પાળીયાદ ગામમાં વરસાદ વરસ્યો હતો.
બોટાદના ગઢડામાં મૂશળધાર વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઇ હતી. ગઢડાની ઘેલો નદીમાં પાણીની ભારે આવક થઇ રહી છે. લોકોને નદી કાંઠે ન જવા માટે અપીલ કરાઇ હતી. 24 કલાકમાં ગઢડામાં 13 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી બોટાદમાં કાર તણાઇ હતી
બોટાદ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ગઢડામાં 13.50 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. બોટાદ શહેરમાં પણ એક દિવસમાં પોણા દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બજારોમાં પાણી ભરાયા હતા.
બોટાદના ગઢડામાં આભ ફાટ્યું હતું. ગઢડામાં 10 કલાકમાં 13.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બોટાદમાં 10 કલાકમાં 9.72 ઈંચ વરસાદ ખાબક્યો હતો. પાલીતાણામાં 24 કલાકમાં 11.85 ઈંચ વરસાદ વરસ્યો હતો.
બ્રેકગ્રાઉન્ડ
આજે કયાં પડશે વરસાદ
18 જૂને ક્યાં જિલ્લામાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ઉપરાંત મધ્યગુજરાતમાં ખેડા, અમદવાદના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્માં રાજકોટ,મોરબી, ગીરસોમનાથ, બોટાદ,ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.
19 જૂને ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ 19 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાસાગર જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર વરસાદ પડી શકે. છે.સાઉથ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ઘણી જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે જે હળવાથી લઈને મધ્યમ વરસાદ રહેશે.દિવમાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે.